રાજ્યમાં મેઘરાજા તાંડવ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. વરસાદના ત્રીજા રાઉન્ડની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. અનેક જિલ્લાઓમાં મનમૂકીને વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યના 176 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. રાજ્યના ચાર એવા તાલુકાઓ છે જ્યાં 10 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના સૂત્રાપાડામાં આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સૂત્રાપાડામાં સૌથી વધારે 22 ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યનો કુલ સરેરાશ 55.30 ટકા વરસાદ નોંધાઈ ગયો છે. સૌથી વધારે કચ્છ ઝોનમાં વરસાદ નોંધાયો છે. મહત્વનું છે કે અનેક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ જગ્યાઓ પર નોંધાયો આટલો વરસાદ
ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક જિલ્લાઓ એવા છે જ્યાં વરસાદે અનેક રેકોર્ડ તોડી દીધા છે. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ગીર સોમનાથના સૂત્રાપાડાને વરસાદે ધમરોળી નાખ્યું છે. સુત્રાપાડા તાલુકામાં સૌથી વધુ 22 ઇંચ વરસાદ તથા ગીર સોમનાથના વેરાવળ તાલુકામાં ૧૯.૨૪ ઇંચ, તાલાલા તાલુકામાં ૧૧.૯૬ ઇંચ તથા રાજકોટના ધોરાજી તાલુકામાં ૧૧.૦૮ ઇંચ વરસાદ નોંધાયો છે. આમ કુલ રાજ્યના ૪ તાલુકાઓમાં ૧૦ ઇંચથી વધુ વરસાદ નોંધાયા હોવાના અહેવાલ છે. ગીર સોમનાથના કોડીનાર તાલુકામાં ૨૧૮ મિ.મી., માંગરોળમાં ૧૯૩ મિ.મી., જામકંડોરણામાં ૧૭૬ મિ.મી., ઉપલેટામાં ૧૧૯ મિ.મી., મેંદરડામાં ૧૦૮ મિ.મી., માળીયાહાટીનામાં અને વાપીમાં ૧૦૬ મિ.મી., સુરત શહેરમાં ૧૦૪ મિ.મી., પેટલાદમાં ૧૦૦ મિ.મી. આમ કુલ ૧૪ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
વરસાદી પાણીમાં તણાઈ ગાડીઓ
મહત્વનું છે કે એવા અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં વરસાદને કારણે પરિસ્થિતિ વણસી ગઈ છે. વરસાદે તારાજી સર્જી હોય તેવા પણ અનેક દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે અનેક ગાડીઓ તણાઈ ગઈ હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. સારો વરસાદ થવાને કારણે અનેક જળાશયોમાં પાણીની બમ્પર આવક થઈ છે. અનેક ડેમોના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે પરંતુ તે પાણી લોકોના ઘર સુધી પહોંચી ગયા છે.