યાત્રાધામ જુનાગઢમાં આવેલા સુપ્રસિદ્ધ ગિરનાર પર્વત પર ગંદકીના ઢગલા ખડકાયા છે. જેના કારણે ગિરનાર પર્વત પર આવેલા અંબાજી માતાના મંદિર તેમ જ દત્તાત્રેય મંદિરના દર્શને આવતા શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓના આરોગ્યને જોખમ ઊભું થઈ રહ્યું છે. જો કે જુનાગઢના સ્થાનિક વહીવટી તંત્રનું વલણ આ મામલે તદ્દન નિષ્ક્રિય અને ઉદાસીન રહ્યું છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થયા બાદ હાઈકોર્ટે સ્થાનિક પ્રશાસનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. ગિરનાર પર્વત પર ગંદકી મામલે અરજદારે રજૂઆત કરી હતી કે, અરજદારે રજૂઆત કરી હતી કે ગિરનાર પર્વતના મંદિરોની આસપાસ જે ગંદકી મુદ્દે અનેકવાર જૂનાગઢ કલેક્ટર ચીફ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલા લેવામાં આવ્યા નથી.
જૂનાગઢ ક્લેકટરની એફિડેવિટ હાઈકોર્ટે ફગાવી
ગીરનાર પર્વત પર ગંદકીને લઈ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ હતી. હાઇકોર્ટમાં જૂનાગઢ ક્લેકટર દ્વારા એફિડેવિટ રજૂ કરવામાં આવી હતી. જોકે હાઈકોર્ટે તે એફિડેવિટનો સ્વિકાર કરવાથી ઇન્કાર કરી દીધો હતો. હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે નાના બાળક જેવી વૃત્તિ કોર્ટ સમક્ષ કરનારા અધિકારીનો બચાવ કરો છો? પ્લાસ્ટિક પર પ્રતિબંધના મુદ્દે કોઈ જ નક્કર સ્પષ્ટતા નહીં કરવાને લઈ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે જૂનાગઢ ક્લેકટરની ઝાટકણી કરવા સાથે એડિશનલ ચીફ સેક્રેટરીને તપાસ કરવા માટે નિર્દેશ કર્યો હતો. કાયદાનું પાલન નહીં કરાવનારા ક્લેકટર સામે કાર્યવાહી કરવા માટે કોર્ટની ભારોભાર નારાજગી સામે આવી છે. આ મુદ્દે વધુ સુનાવણી 27 ફેબ્રુઆરી કરવામાં આવશે.