અમદાવાદના ઈસ્કોન બ્રિજ દુર્ઘટનાના મુખ્ય આરોપી તથ્ય પટેલની મુશ્કેલી વધી છે. ગુજરાત હાઈકોર્ટે તથ્ય પટેલની જામીન અરજી પર મહત્વનો ફેંસલો સંભળાવ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે તથ્ય પટેલની જામીન અરજી ફગાવી દીધી હતી. ઉલ્લેખનિય છે કે આ ભયાનક અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા જ્યારે 20 લોકો ઘાયલ થયા હતા. શહેરમાં આ ઘટના ઈસ્કોન બ્રિજ પર બની હતી જ્યાં થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેને જોવા માટે લોકો ભેગા થયા હતા, તે દરમિયાન કર્ણાવતી ક્લબ તરફતી પુરપાટ ઝડપે આવતી તથ્ય પટેલની જેગુઆર કારે ત્યા ઉભેલા લોકોને કચડી નાખ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં એક કોન્સ્ટેબલ અને હોમગાર્ડનું પણ મૃત્યુ થયુ હતું. મૃતકોમાં બોટાદ અને સુરેન્દ્રનગરના યુવકોનો પણ સમાવેશ થતો હતો.
બંને પક્ષના વકીલોએ શું દલીલો કરી?
ગુજરાત હાઈકોર્ટમાં આજે થયેલી સુનાવણીમાં તથ્યના વકીલે દલીલ કરી હતી કે,રાત્રે સાડા બાર વાગ્યે રોડ પર ટ્રાફિક હશે એવું માની ના શકાય આ સંપૂર્ણ બેદરકારીનો કેસ છે પણ ડ્રીંક એન્ડ ડ્રાઈવનો કેસ નથી. જ્યારે સરકારી વકીલે દલીલ કરતાં કહ્યું હતું કે, આરોપી તથ્યના મિત્રોના નિવેદનને જોતાં તેને અકસ્માત થવાની શક્યતાનું જ્ઞાન હતું. કોર્ટમાં બંને પક્ષો વચ્ચે બે કલાક સુધી ચાલેલી દલીલો સાંભળીને આખરે જામીન અરજીને ફગાવી દેવામાં આવી છે.