એક તરફ આપણો દેશ વિજ્ઞાન ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે તો બીજી તરફ એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે. સુરત જિલ્લાના બોરડોલીથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં દર્દીને હોસ્પિટલ લઈ જવાની બદલીમાં ભૂવાને બોલાવામાં આવે છે. બારડોલીમાં આવેલી કન્યા છાત્રાલયમાં આ ઘટના બની છે જેમાં વિદ્યાર્થીનીની રાત્રે તબિયત બગડતા આચાર્યે ડોક્ટરને બોલાવવાની જગ્યાએ તાંત્રિક બાબાને બોલાવ્યો હતો. વિદ્યાર્થીનીના હાથમાં દોરો બાંધવામાં આવ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે ગૃહમાતાએ તમામ વિદ્યાર્થીનીઓના હાથમાં પણ દોરો બંધાવી દીધો હતો.
બીમાર પડતા ડોક્ટરની જગ્યાએ બોલાવાયા તાંત્રિક બાબાને
અંધશ્રદ્ધાનો ભોગ અનેક લોકો બનતા હોય છે. ત્યારે બારડોલીથી અંધશ્રદ્ધાનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં વિદ્યાર્થીની બીમાર પડી તો તેને ડોક્ટરની પાસે લઈ જવાની બદલીમાં તાંત્રિક બાબા પાસે લઈ જવામાં આવી. બારડોલીના મઢી ગામમાં આવેલી એક આશ્રમશાળામાં વિદ્યાર્થીનીની અચાનક રાત્રે તબિયત બગડી હતી. સારવાર કરાવાને બદલે ગૃહમાતાએ તાંત્રિક બાબાને બોલાવ્યા અને પીંછી નંખાવી દીધી. ચોંકાવનારી વાત તો એ છે કે ન માત્ર બીમાર પડેલી વિદ્યાર્થીનીને દોરો બંધાવ્યો પરંતુ અન્ય કોઈ વિદ્યાર્થીની બીમાર ન પડે તે માટે તેમને પણ દોરો પહેરાવી દેવામાં આવ્યો. આ આશ્રમશાળામાં 140 જેટલી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે.
ભૂતનો પડછાયો છે તેમ કહી ભૂવાએ કરી વિધિ
આશ્રમશાળામાં આવેલા બાબાએ કહ્યું કે આ વિદ્યાર્થીની પર ભૂતનો પડછાયો છે. જેથી તેની પીંછીં નાંખીને વિધિ કરવી પડશે. જે બાદ વિદ્યાર્થીની પર વિધિ કરવામાં આવી હતી. સાથે જ આશ્રમ શાળામાં રહેતી અન્ય વિદ્યાર્થીનીઓ પર પણ પીંછી નાંખવામાં આવી ઉપરાંત દોરો પણ બાંધવામાં આવ્યો હતો. ત્યારે પ્રશ્નએ થાય કે ક્યાં સુધી અંધશ્રદ્ધાને નામે આવી વિધિઓ થતી રહેશે. ક્યાં સુધી ડોક્ટરોને કન્સલ્ટ કરવાની જગ્યાએ બાબા પાસે જવામાં આવશે.