એક તરફ આપણો દેશ વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે તેવા સમયે અંધશ્રદ્ધાથી પ્રેરાઈ એક વર્ગ હજુ પશુ બલી આપી રહ્યો છે. અંધશ્રદ્ધાનો વ્યાપ ફેલાઈ રહ્યો છે. અમરેલીના બાબરામા કાળી ચૌદસ નિમીત્તે સંતાન પ્રાપ્તિની માનતાના નામે ચાર ભુવાએ બે પશુની બલી ચઢાવતા પોલીસ અને વિજ્ઞાન જાથાની ટીમે ત્રાટકી ચારેયને ઝડપી લીધા હતા.
પુત્રની પ્રાપ્તિ માટે રાખી હતી બાધા!
આપણે ત્યાં અનેક લોકો પુત્ર થાય તે માટે માનતા રાખતા હોય છે. તેમનો વંશ વેલો આગળ વધે તે માટે સંતાન પ્રાપ્તિ માટે વાલીઓ બાધાઓ રાખે છે. અનેક લોકોને આપણે ઓળખતા હોઈશું. ત્યારે અમરેલીથી આવો જ એક કિસ્સો સામે આવ્યા છે જેમાં બે પશુની બલી ચઢાવાની હતી. પશુ બલીની આ ઘટના બાબરામા કરિયાણા રોડ પર વાલ્મિકી વાસ વિસ્તારમાં બની હતી. જ્યાં ભુવા તરીકે કામ કરતા રમેશ છના વાળોદરા ઉપરાંત અનીલ રમેશ, વિનોદ રમેશ અને અજય રમેશ નામના શખ્સો પશુઓની બલી ચઢાવવાના હતા.
કાળી ચૌદસે પશુ બલી આપવાનું કરાયું હતું નક્કી
આમ તો રમેશ છના વાળોદરા અહી વર્ષોથી ભુવા તરીકે કામ કરે છે અને દોરા ધાગા અને તાંત્રિક વિધી કરતો રહે છે. મહત્વની વાત તો એ છે કે રમેશ વાળોદરા વર્ષોથી ભુવો બની પશુની બલી ચડાવી રહ્યો છે અને તેણે અત્યાર સુધીમા 400થી વધુ પશુની બલી ચડાવી હોવાનુ મૌખિક કબુલ કર્યુ હતુ. વાત એમ હતી કે અજય રમેશ વાળોદરાએ પોતાને ત્યાં સંતાન પ્રાપ્તિ માટે માનતા રાખી હોય સંતાનનો જન્મ થતા કાળી ચૌદસની રાત્રે પશુ બલી આપવાનુ નક્કી કરાયુ હતુ. ધનતેરસની રાત્રે કાળી ચૌદશ બેસી જતી હોય રાત્રીના સમયે અહી બે બોકડાના માથા કાપી માતાજી સમક્ષ ધરવામા આવ્યા હતા અને ફરતે લોહીનો છંટકાવ કરાયો હતો.
વિજ્ઞાન જાથાની ટીમ અને પોલીસની ટીમ ત્યાં આવી પહોંચી
વિજ્ઞાન જાથા અને પોલીસની ટીમ જયારે બાતમીના આધારે અહી પહોંચી ત્યારે બંને બકરાના માથા, શરીરના અંગો અને ચામડા મળી આવ્યા હતા. તેમણે માનતા પુરી કરવા બંને પશુની બલી ચડાવી હોવાની કબુલાત આપી હતી. તેમની પાસેથી બલીમા વપરાયેલા છરી, ચપ્પુ વગેરે હથિયારો પણ મળી આવ્યા હતા.