બનાસકાંઠાનું રાજકારણ અનેક વખત ગેનીબેન ઠાકોરના ટ્વિટને કારણે અથવા તો તેમના નિવેદનને કારણે ગરમાતું રહે છે. ત્યારે થોડા દિવસો પહેલા ગેનીબેને ટ્વિટ કરી હતી જેમાં બનાસકાંઠાના એસપી પર તેમણે ગંભીર આરોપ લગાવ્યા હતા. રાજકીય ઈશારા પર કોંગ્રેસના કાર્યકર્તાઓએ હેરાન કરવામાં આવતા હોય તેવા આરોપ લગાવ્યા હતા. ત્યારે આ મામલે હવે બનાસકાંઠાના એસપીનું નિવેદન સામે આવ્યું છે.
કોંગ્રેસના કાર્યકર્તાઓને હેરાન કરતા હોવાનો દાવો!
બનાસકાંઠાના વાવના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરના જિલ્લા sp પર કરાયેલા એક ટ્વિટને લઈ મામલો ગરમાયો છે. બનાસકાંઠા એસપી કૉંગ્રેસના કાર્યકર્તાઓને રાજકીય ઈશારે દબાવતા હોવાનું ટ્વિટ ગેનીબેને કર્યું. ત્યારબાદ તેમણે ગઈ કાલે કલેકટર કચેરી પર આવેદન પત્ર પણ આપ્યું છે અને ગેની બેનએ જો આ મુદે કાર્યવાહી નહીં થાય તો જેલભરો આંદોલનની ચીમકી પણ આપી છે ગેનીબહેન ઠાકોર દ્વારા 2 જુલાઈના રોજ એક્ટ ટ્વિટ કરવામાં આવ્યું હતું. જેમાં વાવ અને થરાદના લોકોને સંબોધીને લખવામાં આવ્યું હતું કે, બનાસકાંઠા એસપી રાજકીય ઈશારા હેઠળ કૉંગ્રેસના કાર્યકરો અને આમ પ્રજાને દબાવવા સત્તાનો દુરૂપયોગ કરી રહ્યા છે. ત્યારે તેની સામે ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ લડવા માટેનો સમય પાકી ગયો છે.
કલેક્ટરને ગેનીબેન ઠાકોરે આપ્યું હતું આવેદનપત્ર
ગઈકાલે ગેનીબહેન ઠાકોર, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને કાંકરેજના ધારાસભ્ય અમૃત ઠાકોર ઉપરાંત પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ અને ગુલાબસિંહ રાજપૂત સહિત કૉંગ્રેસના નેતાઓ કલેકટર કચેરી પર આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. જે નેતા માટે ગેનીબેન ઠાકોરે મોરચો ખોલ્યો છે તે જે નેતા છે ઠાકરશી રબારી. કોંગ્રેસના જૂના કાર્યકર છે અને ગેનીબેન ઠાકોરના વિશ્વાસુ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે તેમની રણનીતિને કારણે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના શંકર ચૌધરીને હારનો સામનો કરવો પડ્યો હતો.
આ મામલે બનાસકાંઠા એસપીએ આપી પ્રતિક્રિયા
જ્યારે તેની સામે બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણાએ કહ્યું હતું કે, જે ઠાકરશીભાઈ રબારીની વાત છે તેની સામે વર્ષ 2005 થી 2023 દરમિયાન કુલ 5 FIR નોંધાયેલી છે. જે છેલ્લી FIR નોંધાયેલી હતી તેમાં પોલીસ જે રીતે અન્ય આરોપી સામે કાર્યવાહી કરે છે તે રીતે કાર્યવાહી કરી છે. તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર કરાયા હતા. આ સિવાય જે આરોપી સામે ક્વોલિટી પ્રોહિબિશનનો ગુનો હોય તેની સામે પાસા ભરવામાં આવે છે. આ કેસ પણ ક્વોલિટી પ્રોહિબિશનનો હોય પોલીસે કલેકટરને પાસા મોકલી આપી છે. પોલીસે કોઈ પાર્ટીના કાર્યકર હોવાથી હેરાન કરતી નથી માત્ર તટસ્થતા અને નિષ્પક્ષતાથી કામ કરી રહી છે.