દિવાળીના તહેવારો દરમિયાન મોરબીમાં હોનારત સર્જાઈ હતી. મચ્છુ નદી પર આવેલો ઝૂલતો બ્રિજ તૂટી પડ્યો હતો. જેમાં લગભગ 135 લોકોના જીવ ગયા હતા. ખૂલતાની સાથે જ થોડા દિવસો બાદ આ પુલ તૂટી પડ્યો હતો. આ કેસની સુનાવણી હાલ ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહી છે. આ ઘટના ફરી એક વખત ન બને તે માટે રાજ્ય સરકારને તમામ બ્રિજના સર્વે કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અને હાઈકોર્ટે આ તમામ બ્રિજોની યાદી પણ મંગાવી છે. સરકારે મૃતકોના પરિવારને વળતર ચૂકવવાની જાહેરાત કરી હતી. જેને બમણી કરવામાં આવે તેવો નિર્દેશ કોર્ટ દ્વારા આપવામાં આવ્યું છે.
કેવી રીતે બની હતી ઘટના?
30 ઓક્ટોબરના રોજ મોરબીમાં એક દુર્ઘટના સર્જાઈ હતી. દિવાળીના તહેવારોને મજા માણવા લોકો મચ્છુ નદી પર બનેલા બ્રિજ પર ગયા હતા. પરંતુ અચાનક આ બ્રિજ તૂટી પડતા અનેક લોકો પાણીમાં ડૂબી ગયા હતા. આ દુર્ઘટનાને કારણે તંત્રની અને સરકારની બહુ ટીકાઓ થઈ હતી. મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરે આ દુર્ઘટના બાદ એવી પ્રતિક્રિયા આપી હતી કે અમારી પરવાનગી વગર બ્રિજ ખુલ્લો મૂકાયો હતો. ઉપરાંત આ કેસમાં જેટલા લોકોની પૂછપરછ કરવામાં આવી છે તે નાના માણસો છે. તંત્ર દ્વારા હજી સુધી ઓરેવા કંપીનાના માલિકની પૂછપરછ નથી કરી.
હાઈકોર્ટે મંગાવી તમામ બ્રિજોની યાદી
આ ઘટનામાં અનેક લોકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ કેસની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં થઈ રહી છે અને સુપ્રીમ કોર્ટમાં પણ થઈ રહી છે. ગુજરાત હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે. અને આવી દુર્ઘટના ફરી ન સર્જાય તે માટે હાઈકોર્ટે તમામ બ્રિજની યાદી મંગાવી છે જેવાં બ્રિજનો સર્વે કરવામાં આવશે અને તેમની સ્થિતિનો વિશેનો રિપોર્ટ 10 દિવસની અંદર કોર્ટમાં રજૂ કરવા આદેશ કર્યો છે.
વળતર વધારવા કોર્ટનું સૂચન
આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના વળતરને વધારવામાં આવે તેવી ટકોર કરી છે. સરકાર દ્વારા હાલ મૃતકોને ચાર લાખ આપવાની જાહેરાત કરવામાં આવી હતી અને ઈજાગ્રસ્તોનો પચાસ હજારની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આ વળતર રકમને વધારવા કોર્ટે સરકારને સૂચવ્યું છે. કોર્ટની સૂચના પ્રમાણે મૃતકના પરિવારને 10 લાખની સહાય તેમજ ઈજાગ્રસ્તોને પણ વધારે સહાય ચૂકવવાનું સૂચન આપ્યું છે.