દેશમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસનો આંકડો વધી રહ્યો છે. કોઈ વખત 5 હજાર જેટલા કેસ સામે આવે છે તો કોઈ વખત 6 હજાર જેટલા કેસ સામે આવે છે. ત્યારે આજે તો કોરોના કેસે 7 હજારનો આંકડો પાર કરી લીધો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7830 નવા કેસ નોંધાયા છે. એક્ટિવ કેસની સંખ્યા 40 હજારને પાર પહોંચી ગઈ છે.
દેશમાં આટલા લોકોના થયા કોરોનાને કારણે મોત!
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર મંગળવારે અંદાજીત 2 લાખ 14 હજાર જેટલા લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાંથી 7830 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. કોરોનાને કારણે 16 જેટલા લોકોના મોત થઈ ગયા છે. દિલ્હી, હિમાચલ પ્રદેશ અને પંજાબમાં બે-બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જ્યારે ઉત્તરપ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, હરિયાણા અને ગુજરાતમાં એક-એક દર્દીઓના મોત થયા છે. દેશમાં કોરાના સંક્રમણને કારણે હજી સુધીમાં 5 લાખ 31 હજાર જેટલા લોકોના મોત થઈ ચૂક્યા છે.