હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલુ છે. વિધાનસભામાં સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી ઘણી વખત ચોંકાવનારી હોય છે. જે આંકડા રજૂ કરવામાં આવતા હોય છે તે સાંભળીને આંખો ખુલ્લીને ખુલ્લી રહી જાય છે. એ આંકડા પછી કુપોષિતોના હોય, બેરોજગારીના હોય કે પછી ભ્રષ્ટાચાર આચરતા કર્મચારીઓના હોય....ત્યારે આજે વાત કરવી છે સસ્તા અનાજની દુકાનોમાં વિતરણ થતા અનાજની.. કેટલું અનાજ લોકોને આપવામાં આવ્યું તેની નહીં પરંતુ કેટલું અનાજ સગેવગે થયું તેની માહિતી ચોંકાવનારી છે.
અનાજ થઈ રહ્યું હતું સગેવગે!
ગરીબોને અનાજ મળી રહે તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ લાવવામાં આવે છે. રાહત દરે અનાજ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, તે માટેની દુકાનો ખોલવામાં આવી છે. પરંતુ અનેક વખત ત્યાં અપાતું અનાજ ગરીબો સુધી નથી પહોંચતું પરંતુ તે સગેવગે થઈ જાય છે. રાજ્યમાંથી કેટલું અનાજ સગે વગે થયું છે તેની માહિતી વિધાનસભામાં સરકાર દ્વારા આપવામાં આવી છે. જે આંકડો સામે આવ્યો છે તે ચોંકાવનારો છે.
સરકારે જ સ્વીકાર્યું કે રાજ્યમાંથી આટલા કિલોનો જથ્થા થયો સગેવગે
વિધાનસભામાં સરકારે જ સ્વીકાર્યું હતું કે , છેલ્લા ૨ વર્ષમાં ગુજરાતના ૧૦ જિલ્લામાંથી સસ્તા અનાજની દુકાનેથી વિતરણ કરવામાં આવતા ઘઉં અને ચોખાનો રૂ. ૨.૫૭ કરોડનો ૧૪.૫૪ લાખ ટન જથ્થો સગેવગે કરવામાં આવ્યો છે . પરંતુ સરકારે એવું પણ જણાવ્યું હતું કે , રાજ્યના પુરવઠા વિભાગે દરોડા પાડીને , આ ગુન્હામાં સંડોવાયેલા ૧૦૨ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી .
ક્યાંથી કેટલું અનાજ થયું સગેવગે?
સૌથી વધુ આ સરકારી અનાજની ચોરીમાં સુરત મોખરે છે ત્યાં ૪,૯૯, ૧૨૫ કિલો અનાજ ગાયબ થયી ગયું, ત્યારબાદ બીજા નંબર પર પોરબંદર છે કે જ્યાં ૩,૬૩,૫૨૩ કિલો અનાજ, આ પછી ગીરસોમનાથ જિલ્લો આવે છે જ્યાં ૨૯,૮૫૦ કિલો અનાજ, વડોદરામાંથી ૨૬, ૪૫૦ કિલો અનાજ અને અમદાવાદમાંથી ૨૭,૪૩૫ કિલો અનાજ સગેવગે થવા પામ્યું છે . સરકારે આ અનાજની ચોરીઓ રોકવા સઘન પગલાં લેવા જોઈએ કારણ કે આ અનાજ પર ગરીબ પરિવાર નિર્ભર છે. સરકાર અનાજના સગેવગેને રોકવા માટે જલ્દી કોઈ પગલાં તેવી આશા... કારણ કે ઘણી વખત સરકારને ખબર હોય છે કે ત્રૃટિ ક્યાં છે પરંતુ તેને રોકવા પગલાં નથી લેવામાં આવતા.!