ગયા વર્ષે દિવાળી સમયે મોરબીમાં બ્રિજ દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 135 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. આ દુર્ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બ્રિજોની સલામતીને લઈ હાઈકોર્ટે સરકારને ટકોર કરી હતી. બ્રિજોની મજબૂતાઈને લઈ તપાસ કરવા કહેવાયું હતું. ત્યારે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે મુજબ દર વર્ષે 2 વખત બ્રિજોનું ઈન્સ્પેક્શન કરવામાં આવશે.
બ્રિજના નિર્માણમાં વપરાય છે ઓછી ગુણવત્તાવાળો માલસામાન!
છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં આવેલા બ્રિજો ચર્ચામાં રહ્યા છે. અમદાવાદમાં આવેલા હાટકેશ્વર બ્રિજને લઈ વિવાદ છેડાયો છે. બ્રિજ નિર્માણમાં હલકી ગુણવત્તા વાળા સામાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેવો રિપોર્ટ સામે આવ્યો હતો. દુર્ઘટના ન સર્જાય તે માટે બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે. આ બ્રિજની ચર્ચા થઈ જ રહી હતી તે દરમિયાન રાજૂલામાં નિર્માણ પામી રહેલો બ્રિજ તૂટી પડ્યો હતો. તે ઉપરાંત રાજકોટમાં આવેલા એક બ્રિજમાં તિરાડ દેખાઈ હતી. આ બધા કિસ્સાઓ સામે આવતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે
વર્ષમાં બે વખત બ્રિજોનું કરાશે નિરીક્ષણ
તે બધા વચ્ચે બ્રિજની સ્થિતિ વર્ષમાં બે વખત ચકાસવામાં આવશે. હવે ગુજરાતમાં બ્રિજનું ઈન્સપેક્શન વર્ષમાં બે વખત કરવામાં આવશે. મે અને ઓક્ટોબર મહિના દરમિયાન રાજ્યમાં આવેલા બ્રિજોનું ઈન્સપેક્શન હાથ ધરવામાં આવશે. બ્રિજની નવી નીતિ અંગેની માર્ગદર્શિકા સરકારે જાહેર કરી છે. પુલના નિરીક્ષણની સંપૂર્ણ જવાબદારી ડે. એક્ઝિક્યુટિવ ઈજનેરની રહેશે.