જેની પર વિતી હોય તેને જ તે દુ:ખનો અહેસાસ થાય તેવી વાતો આપણે સાંભળતા હોઈએ છીએ.. વાત તો સાચી છે, બીજાની પીડા આપણે ત્યારે જ સમજી શકીએ જ્યારે આપણે તે પીડામાંથી ગુજર્યા હોઈએ.. રાજકોટમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોની પીડા અસહ્ય હશે.. તેમનું રૂદન આપણને અંદરથી હચમચાવી દે તેવું છે..
પરિવારોને સોંપાઈ રહ્યા છે મૃતદેહ
જમાવટની ટીમે જ્યારે મૃતકોના પરિવાર સાથે વાતચીત કરી ત્યારે તેમની પીડા સાફ દેખાઈ આવતી હતી.. તેમનો આક્રોશ ચરમસીમાએ પહોંચી ગયો હતો. અનેક મૃતદેહોને પરિવારના સભ્યોને સોંપી દેવાયા છે અને તેમના અંતિમસંસ્કાર કરવામાં આવી રહ્યા છે. આખું રાજકોટ જાણે હિબકે ચઢ્યું હોય તેવું લાગે છે.. લાશની હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે મૃતદેહ કોનો છે તે માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. સેમ્પલોને મેચ કરવામાં આવી રહ્યો છે અને જો સેમ્પલ મેચ થાય છે તો મૃતદેહ પરિવારને સોંપાઈ રહ્યા છે.
અંતિમ યાત્રામાં સર્જાયા ભાવુક દ્રશ્યો
રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો પરિવારને સોંપવામાં આવી રહ્આ છે. વહેલી સવારે એક મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યો છે. સત્યપાલસિંહ જાડેજાની અંતિમયાત્રા નિકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.. અંતિમ યાત્રા વખતે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. નાની ઉંમરના દીકરાનું મોત થઈ જતા પરિવારમાં શોકનો માહોલ છે. મહત્વનું છે અનેક એવા પરિવારો છે પોતાના સ્વજનને, તેમના મૃતદેહને શોધી રહ્યા છે.. જ્યારે આવા પરિવારની પીડા આપણે સાંભળીએ ત્યારે આપણે પણ એ પીડાનો અહેસાસ કરી શકીશું.