નવરાત્રીના શરૂઆતના નોરતાઓ દરમિયાન હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ વરસ્યો હતો. ત્યારે ફરી એક વખત રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જેને લઈ દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નવસારી, ડાંગ સહિતના વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. અમદાવાદના અનેક વિસ્તારોમાં પણ મેઘરાજાની પધરામણી થઈ હતી.
સવારથી જોવા મળી મેઘસવારી
વરસાદી માહોલ જામતા વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદ થવાને કારણે ઠંડક પ્રસરી હતી. બનાસકાંઠાના જગાણા, લાલાવાડા ગામોમાં વરસાદ થતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતી ખેડૂતો સેવી રહ્યા છે. બનાસકાંઠા ઉપરાંત સાબરકાંઠામાં પણ વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. વાદળછાયા વાતાવરણ હોવાને કારણે વરસાદના છાંટા પણ વરસ્યા હતા.
ફરી એક વખત વરસાદ કરશે પધરામણી
હવામાન વિભાગે 8થી 11 ઓક્ટોબર વરસાદના ઝાપટા પડવાની આગાહી કરી છે. 8 ઓક્ટોબરે ગીર સોમનાથ, પંચમહાલ, નર્મદા, તાપી, ભાવનગર, ડાંગમાં વરસાદની આગાહી કરી છે. ઉપરાંત 9 ઓક્ટોબરના રોજ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 9મી તારીખે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાદરા નગર હવેલીમાં વરસાદ વરસી શકે છે.