આ વર્ષે G-20ની અધ્યક્ષતા ભારત કરી રહ્યું છે. આજથી બંગાળની રાજધાની કોલકાત્તામાં આ બેઠક યોજાવાની છે. ત્રિ-દિવસીય સત્ર 9થી 11 જાન્યુઆરી સુધી યોજાવાનું છે. આ બેઠકમાં અનેક દેશોના પ્રતિનિધિઓ સામેલ થવાના છે. આ બેઠકોમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
કોલકાત્તા ખાતે થયું પ્રથમ બેઠકનું આયોજન
ભારતની અધ્યક્ષતામાં આ બેઠક મળી રહી છે. આ બેઠકમાં ભાગ લેવા વિવિધ દેશોના પ્રતિનિધિઓ કોલકાત્તા પહોંચી ચૂક્યા છે. આ બેઠકનું આયોજન કોલકાત્તાના ન્યુટાઉન સ્થિત વિશ્વ બાંગ્લા કન્વેંશન સેંટરમાં કરવામાં આવ્યું છે. બેઠકોને લઈ રવિવારે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જણાવાયું હતું કે G20 ઈન્ડિયાના ફાઈનાન્સ ટ્રેક હેઠળ દેશમાં ગ્લોબલ પાર્ટનરશિપ ફોર ફાઈનાન્સિયલ વર્કિંગ ગ્રૂપના આ પ્રથમ બેઠક મળવા જઈ રહી છે.
અનેક મુદ્દાઓ પર બેઠકમાં થશે ચર્ચા
આ બેઠકમાં ચર્ચાવાના વિષયોની વાત કરીએ તો આ મિટીંગમાં નાણાકીય વ્યવસ્થાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા, રેમિટન્સ ટ્રાન્સફરની કિંમત ઘટાડવા, ઉભરતી ટેકનોલોજીના ઉપયોગ માટે નીતિઓ બનાવી સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખી ચર્ચા થવાની છે. ઘણા દેશોના પ્રતિનિધિઓ તો આ બેઠકમાં ભાગ લેશે જ પરંતુ IMF, નાબાર્ડ, કેન્દ્રીય નાણામંત્રાલય તેમજ વિવિધ બેન્કોના પ્રતિનિધિઓ પણ સામેલ થવાના છે.