જ્યારથી કેન્દ્ર સરકારે વિશેષ સત્રની જાહેરાત કરી છે ત્યારથી દેશમાં એક મુદ્દાને લઈ ચર્ચા થઈ રહી છે. તે વિષય છે 'એક રાષ્ટ્ર એક ચૂંટણી'નો. વિશેષ સત્રને લઈ અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી હતી. એક તરફ 'એક દેશ એક ચૂંટણી'ને લઈ ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે પૂર્વ રાષ્ટ્રપતિની અધ્યક્ષતા કેન્દ્ર સરકારે એક કમિટીની રચના કરી હતી. આજે કમિટીની પ્રથમ બેઠક મળવાની છે. આ કમિટીમાં 8 લોકોને મેમ્બર બનાવમાં આવ્યા છે. જે વખતે કમિટીને લઈ જાહેરાત કરવામાં આવી હતી તે વખતે અનેક રાજનેતાઓએ વિરોધ પણ કર્યો હતો.
સોનિયા ગાંધી પીએમ મોદીને લખવાના છે પત્ર
18 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન સંસદમાં વિશેષ સત્ર બોલાવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે વિશેષ સત્રનું આયોજન કર્યું છે. વિશેષ સત્રની જાણકારી સામે આવતા જ અલગ અલગ તર્ક વિતર્કો સર્જાયા હતા અને આ સત્ર શા માટે બોલાવવામાં આવ્યું છે તેને લઈ ચર્ચાઓ થઈ રહી છે. આ બધા વચ્ચે ગઈ કાલે વિપક્ષી નેતાઓની બેઠક મળી હતી જેમાં નિર્ણય લેવાયો કે સોનિયા ગાંધી INDIA વતી પીએમ મોદીને પત્ર લખવાના છે.
રામનાથ કોવિંદની આગેવાનીમાં બનાવાઈ કમિટી
એક દેશ એક ચૂંટણીને લઈ આ વિશેષ સત્રમાં કોઈ નિર્ણય આવી શકે છે તેવું નિષ્ણાતો માની રહ્યા હતા. એક તરફ આ ચર્ચાઓ ચાલી રહી હતી તો બીજી તરફ કેન્દ્ર સરકારે વન નેશન વન ઈલેક્શન માટે એક કમિટીની રચના કરી જેના અધ્યક્ષ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને બનાવાયા છે. ત્યારે આજે કમિટીની પહેલી બેઠક મળવા જઈ રહી છે. સમિતીમાં કુલ આઠ લોકો છે. અમિત શાહ, અધીર રંજન ચૌધરી, ગુલામ નબી આઝાદ, એનકે સિંહ, સુભાષ કશ્યપ, હરીશ સાલ્વે અને સંજય કોઠારી. દિલ્હી ખાતે આજે આ બેઠક મળવાની છે. મળતી માહિતી અનુસાર કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ નામ પાછું ખેંચવાની માગ કરી છે.