આજે નવરાત્રીનું પાંચમું નોરતું છે. પાંચમાં નોરતે માતા સ્કંદમાતાની આરાધના કરવામાં આવે છે. સ્કંદ એટલે ભગવાન કાર્તિકેયની માતા. સ્કંદ ભગવાનના માતા હોવાને કારણે તેઓ સ્કંદમાતા કહેવાયા. દેવી ભાગવત અનુસાર દેવીના નવ સ્વરૂપ સ્ત્રી જીવનના અલગ અલગ તબક્કાને દર્શાવે છે. એવી માન્યતા છે આ સ્વરૂપ ધારણ કરી માતાજી ભક્તોરૂપી પોતાના સંતાનોની રક્ષા કરે છે. એવી પણ માન્યતા છે કે જ્યારે દેવરાજ ઈન્દ્રએ ભગવાન કાર્તિકેયને હેરાન કર્યા હતા ત્યારે માતાજીએ સિંહ પર સવારી કરી કાર્તિકેય સ્વામીની રક્ષા કરી અને તેમને પોતાના ખોળામાં લીધા હતા. જેને કારણે દેવરાજઈન્દ્ર ડરી ગયા અને માતાજીને તેઓ પ્રાર્થના કરવા લાગ્યા. એવું પણ માનવામાં આવે છે કે માતા સ્કંદમાતાની ઉપાસના કરવાથી ભક્તને સંતાન પ્રાપ્તિ થાય છે.
કેવું છે દેવી સ્કંદમાતાનું સ્વરૂપ?
માતા સ્કંદમાતાના સ્વરૂપની વાત કરીએ તો માતા સિંહ પર સવારી કરે છે. પોતાની બે ભૂજાઓમાં માતાજીએ કમળ ધારણ કર્યું છે. એક હાથ સ્વામી કાર્તિકેયનું રક્ષણ કરે છે. અને એક હાથથી માતાજી આશીર્વાદ આપી રહ્યા છે. નવરાત્રીના પાંચમા દિવસે માતા સ્કંદમાતાને પ્રસન્ન કરવા સાધકે તપ કરવું જોઈએ. માતાજીના સ્વરૂપને જોઈ એવું પણ કહેવામાં આવે છે કે પુત્ર હાથમાં હોવાને કારણે માતાજીએ શસ્ત્ર ધારણ નથી કર્યું. માતાજી પોતાના સંતાન રૂપી ભક્તની રક્ષા કરવા હંમેશા તત્પર હોય છે. બીજી કથા અનુસાર જ્યારે રાક્ષસ તારકાસુરનો અત્યાચાર ચરમસીમાએ પહોંચ્યો હતો ત્યારે તેનો વધ કરવા માટે ભગવાન કાર્તિકેયને યુદ્ધની તાલીમ માતા પાર્વતી દ્વારા આપવામાં આવી હતી. જે બાદ કાર્તિકેય સ્વામીએ તારકાસુરનો વધ કર્યો હતો. ભગવાન કાર્તિકેય દેવતાઓના સેનાપતિ પણ છે. રાક્ષસોનો સંહાર કરવા માટે તેમનો જન્મ થયો હતો તેવો ઉલ્લેખ આપણને ધાર્મિક ગ્રંથોમાં મળી રહે છે.
માતાજીને પ્રસન્ન કરવા કરવો જોઈએ આ મંત્રનો જાપ?
દેવીની આરાધના કરવા માટે અલગ અલગ રૂપોની પૂજા અલગ અલગ મંત્રોથી કરવામાં આવે છે. નવ દુર્ગાને પ્રસન્ન કરવા માટે ચંડીપાઠ કરવો જોઈએ પરંતુ જો તે કરવાનું શક્ય ન હોય તો તે દેવીના મંત્રનો જપ કરવો જોઈએ. અલગ અલગ દેવીના જપ કરવા માટે અલગ અલગ મંત્ર છે. સ્કંદમાતાના મંત્રની વાત કરીએ તો આ મંત્રથી માતાની ઉપાસના કરી શકાય છે -
सिंहासनगता नित्यं पद्माश्रितकरद्वया|
शुभदास्तु सदा देवी स्कंदमाता यशस्विनी||
અર્થાત સિંહ પર સવારી કરનાર અને પોતાના હાથોમાં પદ્મ એટલે કે કમળ ધારણ કરનાર સ્કંદમાતા અમારૂં કલ્યાણ કરો અને અમને યશ આપો. જે ભક્ત માતાજીના આ સ્વરૂપની આરાધના કરે છે તેના પર દેવી કૃપા દ્રષ્ટિ રાખે છે. પોતાના બાળની જેમ ભક્તની સંભાળ માતાજી રાખે છે. એવું પણ માનવામાં આવે છે કે માતાજીના આ રૂપની પૂજા કરતા પહેલા સ્કંદભગવાનની પૂજા કરવી જોઈએ. એવું કરવાથી માતાજી જલ્દી પ્રસન્ન થાય છે. દેવીની કૃપાથી ઘરમાં સુખ,શાંતિ તેમજ સમૃદ્ધિનો વાસ કરે છે.
સ્કંદમાતાને ક્યું નૈવેદ્ય કરવું જોઈએ અર્પણ?
નવરાત્રી દરમિયાન માતાજીને નોરતા પ્રમાણે અલગ અલગ પ્રસાદ ધરાવવો જોઈઓ. દૂધ,સાકર,માલપુઆ જેવા પ્રસાદ માતાજીને અર્પણ કરવામાં આવે છે. દિવસ પ્રમાણે નૈવેદ્ય અર્પણ કરવાથી માતાજીની અમી દ્રષ્ટિ ભક્ત પર રહે છે તેવું માનવામાં આવે છે. પાંચમા નોરતે માતાજીને નૈવેદ્ય તરીકે કેળા અર્પણ કરવામાં આવે છે.