સસ્તા અનાજ દુકાનદારોની હડતાળ અંતે સમેટાઈ, સરકારે વૈકલ્પિક વ્યવસ્થાની આપી હતી ચીમકી


  • Published By :
  • Published Date : 2023-11-02 22:46:42

રાજ્યમાં છેલ્લા બે દિવસથી વિવિધ પડતર માંગોને લઈને સસ્તા અનાજના 17 હજાર દુકાનદારો હડતાળ પર ઉતર્યા છે ત્યારે આજે સતત બીજા દિવસે સસ્તા અનાજ દુકાનદારોના સંચાલકોની મંત્રી સાથે બેઠક યોજાઈ હતી. જેમાં દિવાળી તહેવાર બાદ બેઠક કરીને સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવશે તેવી હૈયાધારણા સરકાર દ્વારા આપવામાં આવતા બંને એસોસિએશન ચર્ચા કરીને હડતાળ સમેટી લીધી છે. આજે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઇએ કહ્યું હતું કે દિવાળીના તહેવારો બાદ એસોશિએશનની માંગણી પરત્વે સરકાર હકારાત્મક વિચારણા સાથે બેઠક કરીને યોગ્ય નિર્ણય કરશે જેના પગલે કાલથી રાજ્યની સસ્તા અનાજની દુકાનો ખુલ્લી રહેશે. રેશનિંગની દુકાન એસોશિએસનના આગેવાન પ્રહલાદ મોદીએ પણ કહ્યું હતું કે, આંદોલન સ્થગિત કરીએ છીએ. સરકાર આમાં કાચું કાપશે તો અમે ફરી હડતાળ કરીશું. ઉલ્લેખનિય છે કે તહેવારની સીઝનમાં જ રાજ્યના સસ્તા રેશનિંગના દુકાનદારો રાજ્યવ્યાપી હડતાલ પર ઉતરતા સરકાર પણ ભીંસમાં આવી હતી.


બુધવારે બેઠક રહી હતી નિષ્ફળ


રાજ્યમાં સસ્તા અનાજના દુકાનદારોની અચોક્કસ મુદ્દતની હડતાળના કારણે દિવાળી સમયે ગરીબ અને મધ્યમવર્ગના લોકોને રાશનથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઇ હતી. ત્યારે બુધવારે વાજબી ભાવની દુકાનના એસોસિએશન સાથે સરકારની બેઠક યોજાઈ હતી. એસોસિએશનના હોદ્દેદારો પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાને મળ્યા હતાં.આ બેઠક બાદ રેશનિંગની દુકાનના એસોસિએસનના આગેવાન પ્રહલાદ મોદીએ કહ્યું હતું કે, બેઠકમાં કોઈ નિર્ણય લેવાયો નથી જેથી હડતાળ યથાવત રહેશે.


સરકારની વૈકલ્પિક વ્યવસ્થા શું હતી? 


આજે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, જો દુકાનદારો હડતાળ નહીં સમેટે તો વૈકલ્પિક વ્યવસ્થા કરાશે. ગામની દૂધ મંડળીઓ થકી વ્યવસ્થા કરીને લોકોને અનાજનો જથ્થો આપવામાં આવશે. 


શા માટે ફરી હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું?


ફેર પ્રાઈઝ શોપ એસો.ના પ્રમુખ જીતેન્દ્ર નંદાએ નિવેદન આપ્યું હતું કે સપ્ટેમ્બર માસમાં સરકારે અમારી સાથે બેઠક કરી હતી. બાદમાં 300 થી ઓછા રાશન કાર્ડ ધરાવનારને જ 20000 કમિશન અપાયું હતું. 500 થી વધુ રાશન કાર્ડ ધરાવનારનું કમિશન વધારવાની કોઈ જાહેરાત થઇ નથી. સસ્તા અનાજની દુકાનોના પરવાનેદારોએ મહિના પહેલાં અચોક્કસ મુદ્દતની હડતાળ કરી હતી ત્યારે પુરવઠા વિભાગે રૂ.20 હજાર કમિશન, અનાજના ઘટ અને સર્વરની સમસ્યાના નિકાલ માટે બાંહેધરી આપી હતી, પરંતુ શરત મુજબ કમિશન ન મળતા અમદાવાદના 800 સહિત રાજ્યના સસ્તા અનાજના 17 હજાર દુકાનદારો આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા હતા. જ્યાં સુધી 20 હજાર કમિશન નહીં મળે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાનો ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશને નિર્ણય કર્યો હતો.


મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આપી હતી ચેતવણી 


અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી  કુંવરજીભાઈ બાવળિયાએ સસ્તા અનાજ દુકાનદારોને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે વાજબી માંગ હશે તો જ સ્વીકારાશે. દિવાળીના તહેવારમાં કાર્ડધારકોને મુશ્કેલી પડશે નહીં. દરેક દુકાનો પર અનાજનો પુરતો જથ્થો છે. ઓક્ટોબર મહિનામાં રાબેતા મુજબ અનાજનું વિતરણ થયું છે. નવેમ્બર મહિનાના વિતરણનું આગોતરૂ આયોજન છે. દુકાનદારો અમારા પરિવારના સભ્ય સમાન છે. દુકાનદારોની જે પણ માંગ હશે તેની ચર્ચા કરીશું. ઘટતી કમિશનની રકમ આપી દેવામાં આવી છે. કોઈને ગેરસમજણ હશે તો તેને દૂર કરાશે. દુકાનદારોની વાજબી વાતને સરકાર ખુલ્લા મને સ્વીકારશે. સમાધાન થયું ત્યારે 300 કાર્ડની જ વાત થઈ હતી. કાર્ડની સંખ્યામાં કોઈ પણ સુધારો વધારો થયો નથી. દુકાનદારો સાથે સરકાર બેસવા માટે તૈયાર છે. વાજબી માંગો હશે તે સ્વીકારવામાં આવશે. સરકારને દબાવવાનો પ્રયાસ થશે તો વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર છે. ગરીબોને અનાજ મળે તે માટે સરકાર કટિબદ્ધ છે. વૈકલ્પિક વ્યવસ્થા માટે અમે બેઠક પણ કરી લીધી છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...