ગુજરાતમાં રસ્તાઓની હાલત બિસ્માર થઈ રહી છે. અનેક વખત એવા અનેક રોડ આપણે જોતા હોઈએ છીએ જ્યાં ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળે છે. અનેક એવા બ્રિજ છે એવા અનેક રોડ છે જેની ગુણવત્તાને લઈ સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે વડોદરાનો એક રસ્તો ચર્ચામાં આવ્યો છે. સામાન્ય ગરમી પડતા રસ્તો પીગળી ગયો છે. એક મહિના પહેલા જ આ રસ્તાની કામગીરી પૂર્ણ થઈ હતી. ત્યારે રસ્તો પીગળી જતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
એક મહિના પહેલા બનેલો રસ્તો પીગળી ગયો!
ઉનાળાની શરૂઆત ધીરે ધીરે રાજ્યમાં થઈ રહી છે. તાપમાન 40 ડિગ્રીને આસપાસ પહોંચવા આવ્યું છે. ત્યારે આગામી સમયમાં આ તાપમાનનો પારો વધારે ઉચકાશે તેવી આગાહી કરવામાં આવી છે. ગરમીની અસર રસ્તાઓ પર પડતી અનેક વખત દેખાઈ છે. ચોમાસામાં વરસાદને કારણે રસ્તાઓ પર ખાડા પડી જતા હોય છે જ્યારે ઉનાળામાં ગરમીને કારણે રસ્તાઓ પીગળી જતા હોય છે. ત્યારે રસ્તો પીગળવાની ઘટના વડોદરાથી સામે આવી છે. ભાયલીથી રાયપુરા જવાના રસ્તા પર એક મહિના પહેલા ડામર વાળો રસ્તો બનાવવામાં આવ્યો હતો. પરંતુ ગરમીને કારણે એક મહિના પહેલા બનેલો રસ્તો પીગળી રહ્યો છે.
ક્યાં સુધી સારા રસ્તા માટે લોકોએ મારવા પડશે વલખા!
અંદાજીત એક મહિના પહેલા બનેલા રસ્તાની આવી દશા જોઈ રસ્તાનું કામ કરનાર કોન્ટ્રાક્ટર સામે શંકા ઉભી થઈ રહી છે. રોડ બનાવવાના બદલે માત્ર ડામર પાથરી દેવામાં આવ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રોડ પીગળી જવાને કારણે વાહનચાલકોને પરેશાની થઈ રહી છે. રોડ પીગળી જતા એવા દ્રશ્યો સર્જાયા હતા જાણે કેમિકલ ઢોળાયું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે ક્યાં સુધી કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતી ગેરરીતિનો ભોગ સામાન્ય લોકોને બનવું પડશે? ક્યાં સુધી સારા રસ્તા માટે લોકોએ વલખા મારવા પડશે?