શિક્ષણ દેશ અને રાજ્યનો એક અતિ મહત્વનો મુદ્દો છે તેની વચ્ચે એક બાજુ IASના પત્રથી બોમ્બ ફૂટ્યો, શિક્ષણ મામલે મીડિયામાં ચર્ચા થઈ રહી છે તે સારી વાત છે પણ આ બધી પરિસ્થિતિની વચ્ચે મહીસાગરમાં પણ એવી જ એક ઘટના ઘટી છે. આમ પણ કોઈ એક વ્યક્તિ આગળ આવીને અવાજ ઉઠાવે છે તો પછી પાછળના લોકો પડકારને જીલવા પહોંચી જાય છે અને તે પણ મુદ્દો ઉઠાવવા લાગે છે. આજ કાલ ગુજરાતના અધિકારીઓ હાલ ક્રાંતિ કરવાના મૂડમાં છે. ધવલ પટેલ દ્વારા લખવામાં આવેલો પત્ર હાલ ચર્ચામાં છે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ એક શાળાની મુલાકાત લીધી હતી. ત્યાં અધિકારીએ જે જોયું એ કદાચ ત્યાંના સ્થાનિક લોકો માટે સામાન્ય હોઈ શકે છે પરંતુ શહેરના લોકો માટે તે એકદમ અલગ હતું.
વાછલાવાડાની પ્રાથમિક શાળાના આચાર્ય નશાની હાલતમાં!
આદિવાસી બાહુલ્ય વિસ્તાર મહીસાગરના શિક્ષણ બાબતનો મુદ્દો હવે ઉઠ્યો છે. જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારીએ સરપ્રાઈઝ ચેકિંગ માટે શિક્ષણ મંત્રીનો વિસ્તાર મહીસાગર પસંદ કર્યો હતો. જિલ્લાના શિક્ષણાધિકારી ડૉક્ટર અવની બા મોરીએ પણ જિલ્લાની શાળાઓમાં અચાનક મુલાકાત કરી તો શિક્ષણ વિભાગની બેદરકારી સામે આવી છે. આ વખતે બાળકોની, શિક્ષકોની કે શાળાની ફજેતી નથી થઈ પરંતુ શાળાના આચાર્ય વિવાદમાં આવ્યા છે. મહીસાગર જિલ્લા શિક્ષણાધિકારી કોઈ જાણ કર્યા વગર કડાણા તાલુકાના વાછલાવાડાની પ્રાથમિક શાળાએ પહોંચ્યા હતા. જ્યાં તેમને શાળાના આચાર્ય સરદાર માલિવાડ નશાની હાલતમાં લથડિયા મારતા દેખાયા હતા. આવા સમાચાર શહેરના લોકો માટે નવા હોઈ શકે છે પરંતુ ત્યાંના સ્થાનિક લોકો માટે આ વાત તો સામાન્ય છે.
શિક્ષણ અંગે, બાળકના ભવિષ્ય માટે ક્યારે થશે વાત?
ધવલ પટેલનો પત્ર સામે આવતા વિવાદ છેડાયો હતો પરંતુ જે પરિસ્થિતિ દર્શાવી છે તે સાચી છે, તે પરિસ્થિતિ સત્ય છે. શાળામાં જઈને જો સરકારી અધિકારીઓ તપાસ કરશે તો તેમને વાસ્તવિક્તાનો ખ્યાલ આવશે. અંતરિયાળ વિસ્તારમાં શાળાઓની આવી જ હાલત છે. જ્યારે આચાર્યોની વાત થાય ત્યારે તેમનું સંગઠન પોતાની વાત રજૂ કરે છે , શિક્ષકોની વાત આવે ત્યારે શિક્ષક સંઘ આવીને પોતાની વાત રજૂ કરે પરંતુ વિદ્યાર્થીઓ માટે તેમના શિક્ષણ માટે કોઈ વાત નથી કરતા. ત્યારે આવા અધિકારીઓની સિસ્ટમને જરૂર છે.