ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ગુજરાત મોડલ બતાવી ભાજપ પોતાનો પ્રચાર કરી રહી છે તો આમ આદમી પાર્ટી પંજાબ અને દિલ્હી મોડલ બતાવી પ્રચાર કરી રહ્યો છે. ત્યારે કોંગ્રેસે પણ અનેક વખત રાજસ્થાન મોડલ બતાવવાની કોશિશ કરી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતમાં આવી કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી પોતાની માગને લઈ VCE કર્મચારી આંદોલન કરી રહ્યા છે પરંતુ તેમનો અવાજ સરકાર નથી સાંભળી રહી. એવામાં રાજસ્થાન સરકારે પંચાયત સહાયકને કાયમી કરવાનો નિર્ણય કર્યો છે. આ વાતને લઈ ગુજરાતના VCE કર્મચારીઓએ ભાજપ સરકારને પગાર આપવાનો આગ્રહ કર્યો છે.
VCEને પગાર કરવાની ઉઠી માગ
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ચૂંટણીને લઈ પાર્ટી સજ્જ થઈ ગઈ છે. ભાજપ, આપ તેમજ કોંગ્રેસ પ્રચાર કરી રહી છે. ચૂંટણી નજીક આવતા પોતાની પડતર માગણીને લઈ ગુજરાતમાં અનેક આંદોલન ચાલ્યા હતા. એક બાદ એક આંદોલનો સમેટાઈ ગયા. પરંતુ VCE કર્મચારી પોતાની લડાઈ લડી રહ્યા છે. એવામાં રાજસ્થાનમાં અશોક ગેહલોતની એટલે કે કોંગ્રેસ સરકારે પંચાયત સહાયકને કાયમી કરી દીધા છે. જેને લઈ ગુજરાતના VCE કર્મચારીઓ પણ ડબલ એન્જીન સરકાર પાસેથી ન્યાયની આશા રાખી રહ્યા છે.
ટ્વિટ કરી ડબલ એન્જીન સરકાર પર કર્યા પ્રહાર
ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત વીસીઈ મંડળે ટ્વિટ કર્યું હતું જેમાં તેમણે લખ્યું કે રાજસ્થાનમાં અશોક ગેહલોત, કોંગ્રેસ સરકારે પંચાયત સહાયકને કાયમી કરીને ન્યાય આપ્યો તો, ગુજરાતની ડબલ એન્જીન સરકાર ગ્રામ પંચાયત વીસીઈને પગાર આપી ન્યાય આપે.