ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષા લેવાની શરૂઆત થઈ ગઈ છે. થોડા સમય પહેલા જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી ત્યારે હવે ટેટની પરીક્ષાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TATની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. નવી શિક્ષણ મુજબ આ પરીક્ષા લેવામાં આવવાની છે. TAT પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો આજથી ઓનલાઈન ફોર્મ ભરી શક્શે. ચાર જૂને પ્રીલિમનરી પરીક્ષા લેવામાં આવશે જ્યારે 18 જૂને મુખ્ય પરીક્ષા લેવામાં આવશે.
નવી શિક્ષણ પદ્ધતિ મુજબ લેવાશે પરીક્ષા!
શિક્ષણ વિભાગના પરિપત્ર પ્રમાણે સરકારે નવી શિક્ષણ નીતિ અંતર્ગત શિક્ષકોની ભરતી માટે લેવાતી TATની પરીક્ષાના માળખામાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. શિક્ષકોની ગુણવત્તા વધારવા માટે હવે TATની પરીક્ષા બે વખત લેવામાં આવશે. પહેલાં પ્રિલિમનરી પરીક્ષા અને બાદમાં મુખ્ય પરીક્ષા લેવાશે. આ માટે શિક્ષણ વિભાગે ઠરાવ પસાર પણ કરી દીધો છે. હવેથી નવી શિક્ષણ નીતિ મુજબ બે પરીક્ષાઓ લેવામાં આવશે. પ્રિલિમનરી પરીક્ષા બહુવિકલ્પ હશે જ્યારે મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક લેખિત પરીક્ષા લેવામાં આવશે.
શિક્ષકોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે કરાયા ફેરફાર!
થોડા દિવસ પેહલા જ સમાચાર આવ્યા હતા કે શિક્ષણ વિભાગ દ્વારા TAT ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે પહેલી પરીક્ષા પાસ કરનારને જ બીજી પરીક્ષામાં પ્રવેશ મળશે. જેમાં પહેલી પરીક્ષા વૈકલ્પિક પ્રશ્નોની રહેશે. જ્યારે બીજી પરીક્ષા વર્ણનાત્મક રહેશે. શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની ગુણવત્તામાં વધારો કરવા માટે આ પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને નવી પરીક્ષા પદ્ધતિથી આ પરીક્ષા લેવામાં આવશે.
ઘણા વર્ષો બાદ યોજાઈ હતી ટેટ-2ની પરીક્ષા!
મહત્વનું છે કે ટેટ-2ની પરીક્ષા 23 એપ્રિલના રોજ યોજાઈ હતી. આ પરીક્ષામાં લાખો ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. કોઈ પણ અનિચ્છનિય બનાવ ન બને તે માટે કડક બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. ઘણા વર્ષો બાદ ટેટની પરીક્ષા યોજાઈ હતી અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે હવે ટેટની પરીક્ષા આગામી સમયમાં યોજાવા જઈ રહી છે.