ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ગુજરાત સરકારના કર્મચારીઓ અને આંદોલનકારી યુવાનોએ LRD-SRPF જેવા અનેક મુદ્દાઓ સાથે ગુજરાત સરકાર પર લોકોએ દબાણ કરવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે. ગુજરાત જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ ગત 23 દિવસથી હડતાળ કરી રહ્યા છે. તમામ મુદ્દાને શાંત પાડવા માટે ગુજરાત સરકારે 5 મંત્રીઓની સમિતીની રચના કરી છે. સમિતિના તમામ મંત્રીઓનું કામ સરકાર સામે પડેલા સરકારી કર્મચારી સહિત લોકોના આંદોલનોને શાંત પાડવાનું છે. ત્યારે ગુજરાત સરકારના જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓના મુદ્દા મામલે સરકારે એક મહિનાની અંદર પ્રશ્નો ઉકેલવાની બાહેંધરી આપી છે. પરંતુ જમાવટ મીડિયાએ જ્યારે ગુજરાત સરકારના જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીનું નિવેદન લીધું ત્યારે જમાવટના સૂત્રે જણાવ્યું હતું કે, "ગુજરાત સરકારે અમને એક મહિનાનું ગલકું આપી દીધું છે."
ગુજરાત સરકાર અને આરોગ્ય કર્મચારી મહાસંઘની બેઠકમાં શું થયું?
ગુજરાત સરકારના જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ આરોગ્યના વિવિધ વિભાગમાં સેવાઓ આપે છે. આજે ગુજરાત સરકાર અને આરોગ્ય કર્મચારી મહાસંઘની બેઠક મળી હતી. ગુજરાત સરકારના પ્રવક્તા જિતુ વાઘાણીએ પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે, "કર્મચારીઓની મોટાભાગની માગો સ્વિકારી લેવાય છે. પરંતુ તમામ પ્રશ્નો ઉકેલવા માટે મહિના જેટલો સમય લાગશે". તેની સામે ગુજરાત સરકાર અને આરોગ્ય કર્મચારી મહાસંઘના મહામંત્રી આશીષ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, "જો સરકાર 1 મહિનામાં ઉકેલ નહીં લાવે તો હડતાળ યથાવત રેહશે. હાલ"
કેમ પંચાયત સંવર્ગના આરોગ્ય કર્મચારીના બેડામાં વિરોધના સૂર રેડાયા છે?
ટ્રાવેલિંગ એલાઉન્સ અને રજા પગારની માંગણી (16 કિલોમીટર અંદર અપાતી સેવામાં આવક-જાવક માટે રૂપિયા ચૂકવવામાં નથી આવતા તે ચૂકવાય તેવી માગ), આરોગ્ય કર્મચારીને ટેક્નિકલ ગણી પગાર વિસંગતતા દૂર કરવાની માગ, 2800નો ગ્રેડપે, કોરોના વોરિયર્સનું ભથ્થું અને રજા પગારની માંગણીઓ આરોગ્ય કર્મચારી મંડળે સરકાર સામે મૂકી હતી.
ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતા આરોગ્ય કર્મચારીએ જમાવટ પર ઠાલવી વ્યથા
વર્ષ 2001માં જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓને ટેક્નિકલ ગણવા માટે કમિટી બનાવવામાં આવી હતી. હાલ 21 વર્ષ વીતી ગયા હોવા છતાં પણ સરકારની કમિટી દ્વારા કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. ટૂંકમાં સમજીએ તો સરકારના ટેક્નિકલ અને નોન ટેક્નિકલ વિભાગ હોય છે. ગુજરાત સરકારની સેવામાં પટ્ટાવાળા સહિતના કર્મચારીઓ નોન ટેક્નિકલ વિભાગમાં આવતા હોય છે. નોન ટેક્નિકલ કર્મચારીનો પગાર ટેક્નિકલ કર્મચારીના પગારથી વધારે હોય છે. જ્યારે આરોગ્ય કર્મચારી તમામ પ્રકારના ટેક્નિકલ કામ કરતા હોવા છતાં પણ તેમને હજુ ટેક્નિકલ ગણવામાં નથી આવતા. જો આરોગ્ય કર્મચારીને ટેક્નિકલ વિભાગમાં ગણાય તો તેમનો પગાર પણ વધી જશે.