દેશમાં એવી અનેક મહિલાઓ છે જેમણે અસાધારણ કાર્યો કરી ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે. લગભગ દરેક ક્ષેત્રમાં મહિલાઓનું યોગદાન જોવા મળે છે પરંતુ રાજકારણ જ એક એવું ક્ષેત્ર હતું જેમાં મહિલાઓ પોતાનું સ્થાન બનાવી ન શકી હતી.પરંતુ ઈન્દિરા ગાંધીએ રાજકારણમાં ઝંપલાવી રાજનીતિની દુનિયા મહિલાઓ માટે ખુલ્લી મૂકી. આજે ઈન્દિરા ગાંધીને એટલા માટે યાદ કરવા છે કારણ કે આજે તેમની જન્મજયંતી છે. પોતાના કાર્યકાળ દરમિયાન ઈન્દિરા ગાંધીએ એવા નિર્ણયો લીધા જેને કારણે તેમને લોખંડી મહિલાનું બિરુદ મળ્યું હતું. તેમની જન્મજયંતી પર વડાપ્રધાન તરીકે ઈન્દિરા ગાંધીએ લીધેલા નિર્ણયો પર નજર કરીએ.
બેંકોનું રાષ્ટ્રીયકરણ
સૌથી પહેલા ચર્ચા કરીએ બેન્કોના રાષ્ટ્રીયકરણ પર. દરેક વર્ગના લોકોને બેંકનો લાભ મળે તે માટે ઈન્દિરા ગાંધીએ 1969માં બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવાનો નિર્ણય લીધો હતો. 1966 સુધી દેશમાં માત્ર 500 જેટલી બેંકની શાખાઓ હતી. એમાંથી ઈન્દિરા ગાંધીએ 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરી દીધું હતું. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, કેનેરા બેંક, યુનાઈટેડ કોમર્શિયલ બેંક, દેના બેંક, અલ્હાબાદ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, ઈન્ડિયન બેંક, ઈન્ડિયન ઓવરસીઝ બેંક, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, સિન્ડિકેટ બેંક, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા. ઈન્દિરા ગાંધીના આ નિર્ણયને કારણે તેમની ઘણી ટીકાઓ પણ થઈ હતી. મોરારજી દેસાઈ ઈન્દિરા ગાંધીના આ નિર્ણયની તરફેણમાં ન હતા જેને કારણે તેમને તેમના પદ ઉપરથી હટાવી દેવામાં આવ્યા હતા.
પરમાણુ પરિક્ષણ કરી વિશ્વને અચંબિત કરી દીધા
પરમાણુ બોમ્બ પરિક્ષણ કરી ઈન્દિરા ગાંધીએ સમગ્ર વિશ્વ સામે ભારતની તાકાત દર્શાવી. ચીન પરમાણુ પરિક્ષણ કરી પોતાની શક્તિ વધારી રહ્યું હતું ત્યારે ચીન ભારતને દબાઈ ના દે તે માટે ઈન્દિરા ગાંધીએ પરમાણુ પરિક્ષણ કરી ભારતની શક્તિ વધારી હતી. 1974માં પોખરણમાં સ્માઈલિંગ બુધ્ધા નામથી ઓપરેશનને અંજામ આપ્યું હતું. સફળ પરિક્ષણ કરી સમગ્ર વિશ્વને અચંબિત કરી દીધા હતા. પોખરણમાં ધડાકો કર્યા બાદ ભારતની ગણતરી પણ અણુરાષ્ટ્રોમાં થવા લાગી.
પાકિસ્તાનના ભાગલા
ભારત પાકિસ્તાનના ભાગલા થયા બાદ ભારતના બંને પાડોશી દેશ એટલે કે પૂર્વ અને પશ્ચિમ તરફથી હેરાન કરી રહ્યું હતું. પૂર્વ પાકિસ્તાનમાં પશ્ચિમ પાકિસ્તાન તરફથી ત્રાસ ગુજારવામાં આવતો. જેને કારણે શરણાગતીઓ ભારતમાં આવી રહ્યા હતા. ઘુસણખોરી રોકવા માટે ભારતે અનેક વખત પાકિસ્તાનને ચેતવણી પણ આપી હતી પરંતુ સમજાવટની કોઈ અસર ન થઈ હતી. અમેરિકાની વાતની અવગણના કરી પાકિસ્તાન પર હુમલો કરવા ભારતીય સૈન્યને પાકિસ્તાન મોકલ્યા હતા. પાકિસ્તાની સેનાને પરાસ્ત કરી પાકિસ્તાનના બે ભાગલા કરી દીધા હતા. અને બાંગ્લાદેશની સ્થાપના થઈ હતી.
ચૂંટણી સમયે ગરીબી હટાવો નારો લાવ્યા
1971ના સમય દરમિયાન વિપક્ષ દ્વારા ઈન્દિરા ગાંધીને હટાવવાના નારા લાગવા લાગ્યા હતા. તેની સામે ચૂંટણી જીતવા ઈન્દિરા ગાંધી ગરીબી હટાવો નારો લગાવી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. પોતાના નારાને સાર્થક કરવા ઈન્દિરાએ ગરીબ લોકો માટે નાણાં ફાળવ્યા હતા. જેને કારણે ઈન્દિરા ગાંધીએ સત્તા હાંસલ કરી હતી.
ઓપરેશન બ્લુસ્ટાર
તેમના નિર્ણયોમાં ઓપરેશન બ્લુસ્ટારનો પણ સમાવેશ થાય છે. પંજાબને ખાલિસ્તાન બનાવવાની માગ ચાલી રહી હતી. આતંકવાદ વકરી રહ્યો હતો. સુવર્ણ મંદિરને પોતાનું મુખ્ય મથક બનાવી આતંકવાદી સંગઠન કામ કરી રહ્યું હતું. સુવર્ણ મંદિરમાંથી જનરૈલસિંહને બહાર કાઠવા સૈન્યને તમામ પ્રકારની છૂટ આપી દીધી હતી અને ઓપરેશન બ્લુસ્ટારને સફળ બનાવી દીધું. સૈન્ય અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબારી થઈ હતી જેને કારણે મંદિર પરિસરમાં અનેક લાશો પડી હતી. જેને કારણે શીખ સમુદાયના લાગણી ભભૂકી ઉઠી હતી.
કટોકટીનો સમય
1975માં ઈન્દિરા ગાંધીએ કટોકટી જાહેર કરી દીધી હતી. કટોકટી લાદી અનિશ્ચિત સમય સુધી ભારતીય લોકો પાસેથી મૂળભૂત અધિકારો છીનવાઈ ગયા હતા. 1971માં રાયબરેલી બેઠક પરથી ઈન્દિરા ગાંધી સામે ચૂંટણી લડવા વિપક્ષ એક થઈ રહ્યા હતા. સરકારી મશીનરીનો દુરઉપયોગ થવાનો આક્ષેપ લાગવા લાગ્યા હતા. અલ્હાબાદ હાઈકોર્ટે 12 જૂન 1975ના રોજ લોકસભા ચૂંટણી રદ કરી દેવામાં આવી હતી. અને જયનારાયણ વ્યાસની આગેવાનીમાં વિપક્ષે તેમનું રાજીનામું માગ્યું હતું. જેને કારણે રાતોરાત ઈન્દિરા ગાંધીએ કટોકટી જાહેર કરી નાગરીકોના મૂલભૂત અધિકારોને છીનવી લીધા હતા. કટોકટી હટયા બાદ ચૂંટણી જાહેર થઈ પરંતુ કટોકટીના નિર્ણયને કારણે તેઓ 1977માં ચૂંટણી હાર્યા હતા.