વિસનગરની સિવિલ હોસ્પિટલમાં સર્પદંશના ઝેરથી બચવા માટેના ઇન્જેક્શનના સ્ટોકના અભાવે કામલપુર ગામના ખેડૂત મહિલાનું કરુણ મોત થયું હતું. મહિલાના મોત બાદ પરિવારજનો આઘાતમાં છે. અને હોસ્પિટલ પર આક્ષેપો કરી રહ્યા છે કે હોસ્પિટલની ગંભીર બેદરકારીના કારણે મહિલાનું મોત થયું છે. આરોગ્ય ક્ષેત્રમાં ગુજરાત નંબર વન હોવાના દાવાઓ તો કરવામાં આવતા હોય છે. પરંતુ આ જ ગુજરાતમાં ગરીબ મહિલા ખેડૂતનું દવાના અભાવે કરુણ મોત થતાં વિસનગરમાં ઘેર પ્રત્યાઘાત પડયા છે.
વિસનગર તાલુકાના ખેડૂત ડઈબેન ચૌધરી સવારે પોતાના ખેતરમાં ઘાસના પૂળા સરખા કરતા હતા તે દરમ્યાન અચાનક તેમના હાથ ઉપર ઝેરી સાંપે ડંખ માર્યો હતો. હાથની નસ પર ડંખ મારતા ડઈ બેન ચીસ પાડી ઉઠ્યા હતા અને તરત જ દોડી પરિવારને જાણ કરી હતી. પરિવારમાંથી તેમનો પુત્ર તેમને તરત જ ખાનગી વાહનમાં બેસાડી વિસનગર સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો જોકે, ત્યાં હાજર તબીબે તેમની સારવાર ન કરતા તેઓનું મૃત્યુ થઈ ગયું હતું તેવા આરોપ મૃતક ડઈ બેનના પરિવારના લોકો લગાવી રહ્યા છે સાથે જ પરિવારજનોનું કહેવું છે કે ત્યાં હાજર તબીબે સર્પદંશના ઝેરની અસર ઓછી કરતા એન્ટી સ્નેક વિનોમ ઇન્જેક્શન આપ્યું નહિ અને ડોક્ટરોએ કહ્યું કે અમારી પાસે ઇન્જેક્શનનો જથ્થો નથી. ત્યારબાદ આ આ મહિલાને વિસનગર હોસ્પિટલથી વડનગર ખસેડવામાં આવી હતી પરંતુ ત્યાં સુધી ડઈ બેનના શરીરમાં ઝેર ફેલાઇ ગયું હતું. જેથી વડનગર હોસ્પિટલમાં તબીબો સારવાર કરે તે પહેલાં જ ખેડૂત મહિલાનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.
આ બાબતે સિવિલ સર્જને શું કહ્યું ?
આ બાબતે અમે હોસ્પિટલના હોદ્દેદારો સાથે વાતચીત કરી હતી જેમાં તેમનું કહેવું છે કે હોસ્પટલમાં એન્ટી સ્નેક વિનમ ઇન્જેક્શનનો સ્ટોક પૂરતો હતો. હોસ્પિટલના સિવિલ સર્જન પારુલ બેનનું કહેવું છે કે પેશન્ટની હાલત ખુબ જ ગંભીર હતી. અમારી પાસે ઇન્જેક્શન હતા પંરતુ દર્દીની હાલત ગંભીર હોવાના કારણે અમે તાત્કાલિક વધુ સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલ મોકલ્યા હતા. સાથે જ તેમણે જણાવ્યું હતું કે વડનગર સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન સ્ટોકમાં હતા જ પરંતુ દર્દીના રિપોર્ટ કર્યા બાદ અને થોડા સમય પછી જ એન્ટી સ્નેક વિનોમ ઇન્જેક્શન આપવામાં આવતું હોય છે એટલા માટે દર્દીને વડનગર હોસ્પિટલમાં રીફર કર્યા હતા જ્યાં આ તમામ ઇન્જેક્શન દર્દીને આપવામાં આવ્યા હતા પંરતુ તેઓ બચી શકયા નહિ.