સંસદમાં યોજાયેલા વિશેષ સત્રનો આજે ત્રીજો દિવસ છે. લોકસભામાં મહિલા આરક્ષણ બિલને લઈ ચર્ચા થઈ રહી છે. સંસદની કાર્યવાહી શરૂ થયા બાદ સોનિયા ગાંધી સંસદમાં બોલ્યા હતા. કોંગ્રેસ વતી સોનિયા ગાંધીએ પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. સંસદમાં સોનિયા ગાંધીએ કહ્યું કે મારા પતિ રાજીવ ગાંધી મહિલા આરક્ષણ માટે બિલ લાવ્યા હતા.પરંતુ તે પાસ થઈ શક્યું ન હતું.
18 સપ્ટેમ્બરથી સંસદમાં વિશેષ સત્રનો પ્રારંભ થઈ ગયો છે. સત્રની શરૂઆત જૂના સંસદ ભવનમાં થઈ હતી ત્યારે ગઈકાલે સાંસદો નવા સંસદ ભવનમાં શિફ્ટ થયા. નવા સંસદમાં શિફ્ટ થતાં પહેલા જૂના સંસદ ભવન બહાર સાંસદોએ ફોટો સેશન કર્યું હતું. આ સત્રમાં અનેક વિશેષ મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. સૌથી પહેલા સદનમાં મહિલા આરક્ષણ બિલ પર ચર્ચા કરવામાં આવી રહી છે. આ બિલનું નામકરણ કરવામાં આવ્યું છે. આ બિલ નારી શક્તિ વંદન વિધેયક તરીકે ઓળખાશે. ગઈકાલે આ બિલ વિપક્ષી સાંસદોના હંગામા વચ્ચે કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલે સંસદમાં બિલ રજૂ કર્યું હતું. ગઈકાલે પણ આ અંગે ચર્ચા થઈ હતી ત્યારે આજે આ ચર્ચાનો બીજો દિવસ છે.
સોનિયા ગાંધીએ કહ્યું....
બીજા દિવસ ચર્ચાની શરૂઆતમાં કોંગ્રેસ વતી સોનિયા ગાંધી બોલ્યા હતા. સોનિયા ગાંધીએ મહિલા આરક્ષણ બિલ પર વિચાર રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે મારા પતિ રાજીવ ગાંધી મહિલા આરક્ષણ માટે બિલ લાવ્યા હતા. તે સમયે લાગુ થયું ન હોતું. ભારતીય મહિલાઓ પાસે દરિયા જેટલી ધીરજ, સ્ત્રીઓએ હંમેશા ત્યાગ જ આપ્યો છે. આ બિલને લાગુ કરવામાં મોડું થવું જોઈએ નહી. હું મહિલા અનામત બિલના સમર્થનમાં છું. આ પહેલા જાતિ ગણતરી કરાવીને ઓબીસી મહિલાઓને અનામત આપવી જોઈએ.

ભાજપ પર કર્યા આકરા પ્રહાર
સોનિયા ગાંધી ઉપરાંત ટીએમસીના સાંસદ કાકોલી ઘોષ પણ બિલના સમર્થનમાં આવ્યા છે. કાકોલી ઘોષે કહ્યું કે અમે આ બિલને સમર્થન આપીએ છીએ. પશ્ચિમ બંગાળ દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં એક મહિલા મુખ્યમંત્રી છે. જ્યારે 16 રાજ્યોમાં ભાજપની સરકાર છે, છતાં એક પણ મહિલા મુખ્યમંત્રી નથી. ટીએમસી પાસે લોકસભામાં 40 મહિલા સાંસદ છે. મમતા બેનર્જી રાજ્યમાં મહિલાઓને આરોગ્ય , શિક્ષણ અને વહીવટી સેવાઓ વિશે સતત જાગૃત કરી રહ્યા છે. તે ઉપરાંત ડીએમકે સાંસદ કનિમોઝીએ કહ્યું કે મહિલા આરક્ષણ બિલ વિશે બોલતા મને આનંદ થાય છે. અમને લાગતું હતું કે અમે બધા એકબીજાને ટેકો આપીને અને સાથે ઉભા રહીને આ બિલ પસાર કરીશું. પરંતુ કમનસીબે, ભાજપે આને પણ રાજકીય તક તરીકે લીધી છે. મહિલા અનામત બિલ ભાજપનું ચૂંટણી વચન છે.