આ વર્ષના અંત સુધીમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે તેવી વાતોએ જોર પકડ્યું હતું ત્યારે આજે ઈલેક્શન કમિશન પ્રેસ કોન્ફરન્સ યોજવા જઈ રહ્યું છે. જેમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં કઈ તારીખોએ ચૂંટણી યોજાવાની છે તેવી જાહેરાત કરશે.
ગુજરાત ચૂંટણીની તારીખ જાહેર થવાની શક્યતા
વિધાનસભા ચૂંટણીને લઈ અનેક વખત ઈલેક્શન કમિશનના સભ્યો ગુજરાત આવ્યા હતા. અનેક દિવસો સુધી તેઓ ગુજરાતના મહેમાન બન્યા હતા. અને ગુજરાતના માહોલને જાણ્યો હતો. જે બાદ આજે તેઓ પ્રેસ કોન્ફરન્સ કરી ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. ત્યારે રાજકીય પંડીતોના મત અનુસાર આજે માત્ર હિમાચલ પ્રદેશ માટે ચૂંટણીની તારીખો જાહેર થશે કારણે ગુજરાતમાં 19 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે. ગુજરાતમાં ડિફેન્સ એસ્પો યોજાવાનો છે જેમાં પીએમ મોદી ભાગ લેવાના છે. ત્યારે આવા સંજોગોમાં ગુજરાતની ચૂંટણીની તારીખ જાહેર થાય તેવી સંભાવના ઓછી છે.
2017માં આ તારીખોએ યોજાઈ હતી ચૂંટણી
2017માં જ્યારે ચૂંટણી યોજાઈ હતી ત્યારે 25 ઓક્ટોબર 2017ના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ હતી. 2 તબક્કામાં આ ચૂંટણી યોજાઈ હતી. પ્રથમ તબક્કામાં 89 વિધાનસભા બેઠકો માટે 19 જિલ્લામાં 9 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાઈ હતી અને બીજા તબક્કામાં 93 વિધાનસભા બેઠકો માટે 14 જિલ્લામાં 14 ડિસેમ્બરના રોજ મતદાન થયું હતું 10 ઓક્ટોબરના રોજ હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો 2017માં જાહેર થઈ હતી.