2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે અને દરેકની તે જાહેરાત પર ચર્ચા છે. ત્યારે ચૂંટણી પંચના સૂત્રોના માધ્યમથી સમાચાર સામે આવ્યા છે ચૂંટણીની તારીખો 13 માર્ચે જાહેર કરવામાં આવી શકે છે. 7થી 8 તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાઈ શકે છે તેવી સંભાવના છે. છેલ્લા અનેક મહિનાઓથી ચૂંટણી તૈયારીઓનું મૂલ્યાંકન કરવા પંચ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ એટલે કે CEO સાથે નિયમિત બેઠકો કરી રહ્યું છે.
ચૂંટણી પંચ લાગી ચૂંટણીને લઈ તૈયારીઓમાં!
એવી માહિતી સામે આવી છે કે ચૂંટણી આયોગ તમિલનાડુ રાજ્યની મુલાકાતે છે. તે પહેલા ઉત્તરપ્રદેશની મુલાકાત ચૂંટણી પંચ લેવાની છે. જમ્મુ કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારની પણ મુલાકાત લઈ શકે છે. આ મુલાકાત બાદ ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે તેવી માહિતી સૂત્રોના આધાર પરથી મળી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જે રાજ્યોમાં હમણાં જ વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ તે રાજ્યોની મુલાકાત ચૂંટણી આયોગ નહીં લે. મિજોરમ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, છત્તીસગઢમાં હાલમાં જ ચૂંટણી યોજાઈ હતી.
સંવેદનશીલ વિસ્તારમાં અપાશે વધારે ધ્યાન!
એવા અનેક રાજ્યો છે જ્યાં પરિસ્થિતિ તણાવપૂર્ણ છે. સંવેદનશીલ રાજ્યોમાં વધારે સુરક્ષા બળો તૈનાત કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે. એવી રીતે ચૂંટણીનું આયોજન કરવામાં આવશે જેથી ચૂંટણી પ્રક્રિયામાં કોઈ વિઘ્ન ના આવે. ચૂંટણી વખતે સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવશે.