અમદાવાદીઓની સુવિધામાં વધારો થાય તે માટે થોડા સમય પહેલા મેટ્રો ટ્રેનની સેવા શરૂ કરવામાં આવી હતી. એક જગ્યાથી બીજા જગ્યા પર પહોંચવા માટે લોકોને મુશ્કેલી વેઠવી ન પડે તે માટે એએમટીએસ બાદ બીઆરટીએસ બસની સુવિધા શરૂ કરવામાં આવી હતી. તે બાદ મેટ્રો ટ્રેનની શરૂઆત કરવામાં આવી હતી. ચૂંટણી સમયે આ સેવા લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. ત્યારે મેટ્રો ચર્ચામાં આવી છે. વાડજ મેટ્રો સ્ટેશનના પોપડા પડવાની ઘટના સામે આવી છે. નવ નિર્મિત મેટ્રો સ્ટેશનના પોપડા ઉખડી જતા સમારકામ કરવામાં આવ્યું છે.
વાડજ મેટ્રો સ્ટેશનમાં ઉખડ્યા પોપડા!
થોડા સમયથી અનેક બ્રિજો ચર્ચામાં રહ્યા છે. એ પછી હાટકેશ્વર બ્રિજ હોય કે પછી થોડા સમય પહેલા બનેલો અટલ બ્રિજ હોય. કરોડોના ખર્ચે બનેલા અટલ બ્રિજની શોભા કાચ વધારતા હતા. પરંતુ કાચમાં તિરાડ પડતાં કાચને રેલિંગથી બંધ કરી દેવામાં આવ્યો છે. જેને લઈ કાચ પર કોઈ ચાલી શકશે નહી. ત્યારે ચૂંટણી સમય શરૂ થયેલી મેટ્રોની સેવા ચર્ચામાં આવી છે. મેટ્રો સ્ટેશનના પોપડા પડવાની ઘટના સામે આવી છે. અમદાવાદના વાડજ મેટ્રો સ્ટેશનમાં પોપડા પડ્યા છે. પોપડા પડતા કોઈ દુર્ઘટના સર્જાઈ નથી. એક જ દિવસમાં સ્લેબને ફરીથી તૈયાર કરી દેવામાં આવ્યો છે. આ અંગે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે અધિકારીએ જણાવ્યું કે ભેજ ઉતરવાને કારણે આ પોપડા પડ્યા હતા અને તેનું રિપેરીંગ કરી દેવામાં આવ્યું છે.
સદનસીબે આ વખતે દુર્ઘટના ટળી પરંતુ જો જાનહાની થઈ હોત તો જવાબદાર કોણ હોત?
હજી હમણાં જ તો મેટ્રો ટ્રેનની સુવિધા શરૂ થઈ છે. સેવાનો પ્રારંભ થવાને એક વર્ષ પણ નહીં થયું હોય અને મેટ્રો સ્ટેશનમાં આવી સમસ્યા ઉભી થઈ ગઈ છે. ત્યારે મેટ્રોના બાંધકામને લઈ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. મેટ્રો સ્ટેશનનું નિર્માણ થયે હજૂ મહિનાઓ જ થયા છે ત્યાં આ પ્રકારની ઘટનાને ગંભીર ગણી શકાય. આ ઘટના અંગે જ્યારે અધિકારીને પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે કોઈ જાનહાની થઈ નથી. સદનસીબે આ ઘટનામાં જાનહાનિ નથી થઈ પરંતુ કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો?ગંભીર બેદરકારીને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત?