વિશ્વના અનેક દેશોમાં કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ચીનમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો છે. ત્યારે ભારતમાં કોરોના કેસ ન વધે તે માટે પગલા લેવામાં આવી રહ્યા છે. વેક્સિનેશનને લઈ લોકો જાગૃત થઈ રહ્યા છે અને વેક્સિન લેવા જઈ રહ્યા છે. ત્યારે દેશમાં બનેલી પહેલી ઈન્સ્ટ્રાનેજલ કોવિડ વેક્સિન 26 જાન્યુઆરીના રોજ લોન્ચ થવા જઈ રહી છે. આ વેક્સિન ભારત બાયોટેક દ્વારા બનાવામાં આવી છે.
26 જાન્યુઆરીએ નેઝલ વેક્સિન થશે લોન્ચ
દેશમાં કોરોના સંક્રમણ કાબુમાં હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ વિશ્વના અનેક દેશોમાં કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ચીનમાં કોરોનાને કારણે પરિસ્થિતિ વણસી રહી છે. ત્યારે ભારતમાં કોરોનાને કારણે સ્થિતિ ખરાબ ન થાય તે માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યા છે. ઉપરાંત 26 જાન્યુઆરીથી દેશમાં બનેલી ઈન્સ્ટ્રાનેજલ કોવિડ વેક્સિનને લોન્ચ કરવામાં આવશે. ભોપાલમાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલમાં સામેલ થયેલા કંપનીના અધ્યક્ષ અને પ્રબંધ નિર્દેશક કૃષ્ણા એલાએ આ અંગેની જાણકારી આપી હતી.
ડિસેમ્બર મહિનામાં કંપની દ્વારા આ અંગે કરાઈ હતી જાહેરાત
નેઝલ વેક્સિન લાવવા અંગેની જાહેરાત ભારત બાયોટેક દ્વારા ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં કરવામાં આવી હતી. કંપની સરકારને આ વેક્સિન 325 રુપિયા પ્રતિ ડોઝ અને પ્રાઈવેટ વેક્સિનેશન સેન્ટરને પ્રતિ ડોઝે 800 રુપિયાની કિંમતે વેચશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.ઉપરાંત થોડા સમય પહેલા દેશના વેક્સિન ટાસ્ક ફોર્સના પ્રમુખ દ્વારા એવી પણ જાહેરાત કરવામાં આવી હતી કે આ વેક્સિન એવા લોકોને જ આપવામાં આવશે જેમણે હજી બુસ્ટર ડોઝ નથી લીધો.