વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને વધુ એક વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી છે. આ ટ્રેન તેલંગાણાના સિકંદરાબાદથી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ સુધી દોડવાની છે. આ ટ્રેન દેશની આઠમી વંદે ભારત ટ્રેન છે. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પીએમ મોદીએ આ ટ્રેનને લીલી ઝંડી બતાવી છે. આ ટ્રેન 698 કિલોમીટરની સફર માત્ર 8 કલાકમાં પૂરી કરશે. લીલી ઝંડી બતાવ્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે આ ટ્રેન નવા ભારતના સંકલ્પો અને સામર્થ્યનું પ્રતીક છે.
સિકંદરાબાદ અને વિશાખાપટ્ટનમ વચ્ચે શરૂ થઈ વંદે ભારત ટ્રેન
દેશના અનેક રાજ્યોમાં વંદે ભારત ટ્રેન ફરે છે. ત્યારે આજે વડાપ્રધાન મોદીએ 8મી વંદે ભારત ટ્રેનની શરૂઆત કરી છે. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પીએમએ તેલંગાણાના સિકંદરાબાદથી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમને જોડતી ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરી છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ ટ્રેન 2023ની પ્રથમ ટ્રેન છે. આપણા દેશે માત્ર 15 દિવસની અંદર બીજી વંદે ભારત ટ્રેનને દોડાવી છે.
આત્મનિર્ભર તરફ ભારત આગળ વધી રહ્યું છે - પીએમ મોદી
વધુમાં પીએમે કહ્યું કે આ એ ભારતનું પ્રતિક છે જે ગુલામીની માનસિકતાથી બહાર નીકળી આત્મનિર્ભર તરફ આગળ વધી રહ્યું છે. આ પ્રસંગે રેલ મંત્રી અશ્વિની કુમાર, કેન્દ્રીય પર્યટન મંત્રી કિશન રેડ્ડી તેમજ તેલંગાણાના રાજ્યપાલ પણ ઉપસ્થિત હતા.
આ રૂટ પર દોડે છે વંદે ભારત ટ્રેન
આજે જે વંદે ભારત ટ્રેન શરૂ થઈ તે 8મી હતી. અગાઉ શરૂ થયેલી વંદે ભારત ટ્રેનની વાત કરીએ તો પહેલી ટ્રેન 15 ફેબ્રુઆરી 2015ના રોજ શરૂ થઈ હતી જે નવી દિલ્હી અને વારાણસી વચ્ચે ચાલતી હતી. બીજી વંદે ભારત ટ્રેનનો રૂટ દિલ્હીથી કટડા સુધી શરૂ કરવામાં આવી હતી. ત્રીજી ટ્રેન મુંબઈથી અમદાવાદની વચ્ચે, ચોથી વંદે ભારત ટ્રેન નવી દિલ્હીથી અમ્બ અન્દૌરા સુધી, પાંચમી ટ્રેન મૈસુર અને ચૈન્નઈ વચ્ચે ચાલી હતી. છઠ્ઠી ટ્રેન નાગપુરથી બિલાસપુર વચ્ચે, સાતમી ટ્રેન હાવડાથી ન્યુ જલપાઈગુડી વચ્ચે દોડતી હતી. અને આઠમી ટ્રેન તેલંગાણાના સિકંદરાબાદથી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ વચ્ચે દોડશે.