ગુજરાતના વાતાવરણમાં ભલે ઠંડી પ્રસરી રહી હોય પરંતુ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. શનિવારે ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીને લઈ પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાતની 26 બેઠકોમાંથી ભાજપે 15 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. 15માંથી 10 બેઠકો પર સાંસદોને રિપીટ કરવામાં આવ્યા છે તે ઉપરાંત બે પૂર્વ રાજ્યસભાના સાંસદને ટિકીટ આપવામાં આવી છે ત્રણ ચહેરા એવા છે જે નવા છે. જામનગરના સાંસદ પૂનમ માડમને ભાજપે રિપીટ કર્યા છે. પૂનમ માડમને રિપીટ કરવામાં આવ્યા તે બાદ તેમના સમર્થકો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ બધા વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે જેમાં પૂનમ માડમ સાથે રિવાબા જાડેજા જોવા મળ્યા હતા. રિવાબા જાડેજાએ ગળે લગાવ્યા હતા
પૂનમ માડમના નામની કરાઈ જાહેરાત!
લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. 10 બેઠકો પર સાંસદોને રિપીટ કરવામાં આવ્યા છે જેમાં જામનગરની બેઠક પર પૂનમ માડમને રિપીટ કરવામાં આવ્યા છે. આ બાદ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. નામ જાહેર કર્યા બાદ કાર્યકરોએ પૂનમબેનને શુભેચ્છાઓ આપવાનું શરુ કરી દીધું હતું અને પૂનમ માડમને શુભેચ્છા આપવા માટે રીવાબા જાડેજા પહોંચ્યા હતા.
પૂનમ માડમને મળવા પહોંચ્યા રીવાબા જાડેજા!
સાંસદ પૂનમબેનને પણ અન્ય હોદ્દેદારો અને કાર્યકરોની હાજરીમાં રિવાબા જાડેજાએ ગળે લગાવ્યા હતા અને શુભેચ્છા પાઠવી હતી. આ સાથે જ રીવાબાએ પૂનમ માડમને 5 લાખની લીડથી જીતવાના સી.આર પાટીલના ટાર્ગેટને પણ યાદ અપાવ્યો હતો. જે વીડિયો સામે આવ્યો છે તેને લઈ ચર્ચાઓ થઈ રહી છે.
બંને મહિલા નેતાઓની વચ્ચે થઈ ગયો મન મેળાપ!
વાત કરીએ ગયા વર્ષેની તો , મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમમાં પૂનમ માડમ અને રીવાબા જાડેજા વચ્ચે જાહેરમા ચકમક થઈ હતી. જેનો વીડિયો સામે આવ્યો હતો. જોકે હવે બંને મહિલા નેતાઓ જૂની વાતો ભૂલીને આગળ વધ્યા હોય તેમ જણાઈ રહ્યું છે. બંને મહિલા નેતાઓને આ રીતે ગળે લાગતા જોઈને હાજર લોકો પણ જોતા રહી ગયા હતા. હજી તો ઈલેકશન જાહેર થવા દો , જોઈએ કેટલાય મનમુટાવ , મનમેળાપમાં બદલાશે , અને અમે આવા બધાજ દેખીતા મનમેળાપો તમને બતાવતા રહીશું .