ભાજપ અને આમ આદમી પાર્ટી બાદ કોંગ્રેસે પણ પોતાનો પ્રચાર કરવાની શરૂઆત કરી દીધી છે. ભાજપે જેમ ગુજરાત ગૌરવ યાત્રા કરી હતી તેમ કોંગ્રેસ પરિવર્તન સંકલ્પ યાત્રા કરી જન-જન સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે. 1 નવેમ્બરથી કોંગ્રેસે આ યાત્રાની શરૂઆત કરી છે. આ યાત્રાનું આયોજન 5 જગ્યાએથી કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી આ યાત્રાને ભારે જનસમર્થન મળી રહ્યું છે.
5 રૂટ પર ચાલી રહી છે કોંગ્રેસની પરિવર્તન યાત્રા
ગુજરાતમાં ચૂંટણી જાહેર થતા તમામ પાર્ટીએ પ્રચાર માટે કમરકસી લીધી છે. કોંગ્રેસે મોટા પાયે પ્રચાર ન કરી નાના ગામો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે. કોંગ્રેસે પોતાના પ્રચાર માટે રેલી કાઢવાનું આયોજન કર્યું છે. પરિવર્તન સંકલ્પ યાત્રા કરી મતદારોને રિઝવવા પ્રયાસ કરી રહ્યા છે. પરિવર્તન સંકલ્પ યાત્રા દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં યાત્રા ફરવાની છે.
કોંગ્રેસે લખ્યું - આવ્યો પરિવર્તનનો તહેવાર
કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા 30 ઓક્ટોબરના રોજ યોજાવાની હતી. પરંતુ મોરબીમાં બનેલી દુર્ઘટનાને પગલે તેને એક દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી. ઉપરાંત કોંગ્રેસે કેન્ડલ માર્ચ કરી મૃતકોની આત્માને શ્રદ્ધાંજલિ આપી હતી. 1 નવેમ્બરના રોજ આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ સતત ટ્વિટર પર યાત્રાના ફોટો અને વીડિયો મૂકી રહી છે. શક્તિસિંહ ગોહિલ પણ આ યાત્રામાં જોડાયા હતા. લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું.