ગુજરાતના આર્થિક વૃદ્ધિ દરના આંકડાઓ બહુ ઉંચા છે. પણ શિક્ષણની સ્થિતિ આશા જન્માવે એવી નથી. રાજ્યની આર્થિક વૃદ્ધિના આંકડાઓનો લાભ છેવાડા એ આંગણવાડીમાં ભણતા માણસના બાળકોને મળ્યો હોય એવું પણ દેખાતું નથી. આજે એક એવા સમચારોની વાત કરવી છે જેના તો સમાચાર પણ ક્યારેય નથી આવતા. બાળ કલ્યાણના હેતુથી રાજ્યમાં આંગણવાડીઓ શરુ કરવામાં આવી પણ જ્યારે આંગણવાડી બહેનો વિરોધ કરે ત્યારે સમાચાર બને... એ આંગણવાડી જેમાં સરકાર અઢળક ખર્ચો કરે છે એની સ્થિતિ શું છે એ તો ક્યારેય પ્રકાશિત થતું જ નથી. અમારે ત્યાં અમદાવાદના કુબેરનગરના કોર્પોરેટરે એક વીડિયો મોકલ્યો.
શહેરોના ગરીબવિસ્તારો, ઝૂંપડપટ્ટીઓ, ગામડાંના વિસ્તારો, આદિવાસી પ્રદેશોમાં વસતા ગરીબ બાળકોને પ્રાથમિક શિક્ષણ મળે એના માટે સરકારે આંગણવાડીનો પ્રયોગ શરુ કર્યો.. પણ આપણે ત્યાં શિક્ષણની સ્થિતિ કરતાય શિક્ષણના સ્થાનકોની સ્થિતિ બહુ જ કપરી છે. જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે. એથી વિષેશ આંગણવાડીની બહેનોએ અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરી છે છતાંય કોઈ ધ્યાન આપતું નથી અને કામ થતું જ નથી. વિચારો અમદાવાદ જેવા મેટ્રોસિટીમાં આંગણવાડીની આ હાલત છે.
મે અગાઉ કહ્યું તેમ શહેરોના ગરીબવિસ્તારો, ઝૂંપડપટ્ટીઓ, ગામડાંના વિસ્તારો, આદિવાસી પ્રદેશોમાં વસ્તા લોકોના બાળકો જેમની પાસે એટલી સગવડો નથી કે મોંઘી ફી ભરીને બાળકોને શિક્ષણ અપાવી શકે. એટલે આંગણવાડીમાં મુકતા હોય. આવાં બાળકોને આરોગ્ય, સ્વચ્છતા, સુટેવો વગેરેનું શિક્ષણ આપવા, તેમને પૌષ્ટિક આહાર મળી રહે બાળકોના આરોગ્યની માવજત થાય એટલે સરકારે આંગણવાડી પ્રોગ્રામ શરુ કર્યો જેની પાછળ કાગળ પર તો આંકડાઓ બહુ જ મોટા દર્શાવાય છે. આંગણવાડીમાં નાનાં બાળકોની માતાઓ તથા સગર્ભા સ્ત્રીઓને પોષણયુક્ત આહાર આપી તેમનું સ્વાસ્થ્ય સુધારવા તથા તેમને બાળકોનાં સંવર્ધન, પોષણ, દેખરેખ અને સારસંભાળની કામગીરી પણ થાય છે... લોકો જ્યાં રહેતા હોય તે જગાએ તેમની વચ્ચે આંગણવાડી ચલાવવામાં આવતી હોય છે. એમાં ત્રણથી પાંચ વર્ષની વયનાં બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. બાળકોને રમતગમત, ગીતગાન, વાર્તાકથન, સર્જનાત્મક પ્રવૃત્તિઓ વગેરે દ્વારા પોતાના જ ઘરના, ફળિયાના કે ચાલીના વિસ્તારના વાતાવરણમાં જ કેળવવામાં આવે છે. આંગણવાડીના શિક્ષકો, જે પૈકી મોટેભાગે બહેનો હોય છે, તેમને ત્રણથી છ માસની તાલીમ આપવામાં આવે છે. તેમની તાલીમમાં બાળકો સાથેનો વ્યવહાર તેમજ તેમની માતાઓ સાથે આદાન-પ્રદાન કરવાની રીતોનો સમાવેશ થાય છે.આ બધુ એટલા માટે તમને કહી રહી છું કે આ પાછળ સરકાર બહુ જ ખર્ચો કરે છે પણ સ્થળ પરની વાસ્તવિક પરિસ્થિતિ ચિંતા કરાવે તેવી છે. સરકારે પોતે આપેલા આંકડાઓ જ જણાવે છે કે, હજું આંગણવાડીઓને લઈને ઘણું કામ કરવાનું બાકી છે.
ગુજરાતમાં કુલ 10,077 આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે. કેન્દ્ર સરકારે લોકસભામાં આપેલી માહિતી મુજબ 30 નવેમ્બર 2024ની સ્થિતિએ ગુજરાતમાં કુલ 53 હજાર આંગણવાડી છે અને તેમાંથી 20% ને પોતાનું મકાન નથી. ગુજરાતને કેન્દ્ર તરફથી 2021-22 અને 2022-23 દરમિયાન સક્ષમ આંગણવાડી-પોષણ 2.0 અંતર્ગત કુલ 1,752 કરોડ રૂપિયા મળ્યા હતા જેમાંથી 1310 કરોડ વપરાયા અને 442 કરોડ રૂપિયા વપરાયા વિના પડી રહ્યા છે.પોષણ ટ્રેકરની માહિતી મુજબ ગુજરાતમાં 2,128 આંગણવાડી એવી છે જ્યાં શૌચાલયની સુવિધા નથી. જ્યારે 1,242 આંગણવાડીમાં પીવાના પાણીની સુવિધા નથી. આ યોજનાનો હેતુ બાળકોમાં પોષણ અને શિક્ષણ, ગર્ભવતી મહિલા અને ધાત્રી માતાઓને યોગ્ય પોષણ મળી રહે તે છે. આ ઉપરાંત આંગણવાડીમાં ઇન્ટરનેટ, એલઇડી સ્ક્રીન, આરઓ મશીન વગેરે સુવિધા પૂરી પાડવાનો છે.આ અમદાવાદ જેવા મેગાસિટીના દ્રશ્યો જોયા પછી તમે કલ્પના કરી શકો કે અંતરિયાળ વિસ્તારોમાં પરિસ્થિતિ શું હશે. પોષણ ટ્રેકરના ડેટા મુજબ નર્મદા, છોટાઉદેપુર, ડાંગ, દાહોદ, તાપી અને ભરૂચ જેવા આદિવાસી જિલ્લામાં 5 વર્ષથી નાના 32થી 38% બાળકો કુપોષિત છે. આ છ જિલ્લામાં 8 હજારથી વધુ આંગણવાડી છે. જેમાંથી 2,500 ભાડાના મકાનમાં છે. રાજ્યના 33 જિલ્લામાંથી એક પણ જિલ્લો એવો નથી જ્યાં તમામ આંગણવાડીઓમાં પાણી અને શૌચાલયની સુવિધા હોય અને તમામ આંગણવાડીને પોતાનું મકાન હોય. સક્ષમ આંગણવાડી યોજના હેઠળ દેશમાં દરેક આંગણવાડીને પીવાના પાણીની સુવિધા માટે 17 હજાર અને શૌચાલય માટે 36 હજાર આપવામાં આવે છે. તેમ છતાં ગુજરાતમાં આવી આંગણવાડીની સંખ્યા વધુ છે. આ એવા સમાચાર છે જે ક્યારે સમાચાર નથી બનતા નથી ચર્ચા થતી. પણ સવાલ એ છે કે જેના માટે ખર્ચો કરો છો સરકાર એ નાના ભુલકાઓનો શું વાંક છે. એના તો પોષણ, કલ્યાણ અને સંવર્ધન માટે જ કરી રહ્યાં છો.. અધિકારીઓને ફરિયાદ કરે છતાંય કશું થતું નથી. અને એટલે સવાલ થાય કે શિક્ષણની ગુણવત્તાનું ગુલાબી ચિત્ર કેટલું સાચું? શિક્ષણનું સ્તર સુધરે એવી અપેક્ષા તો સૌ કોઈને છે પણ આ ભુલકાઓનો પાયો મજબુત થાય એવી પણ અપેક્ષા રહેવાની છે.