છેલ્લા એક બે દિવસથી સિધીમાં થયેલા પેશાબકાંડની વાતો થઈ રહી છે. ભાજપના કાર્યકરે આદિવાસી યુવક પર પેશાબ કરી લીધો હતો. જે બાદ લોકોમાં આક્રોશ વ્યાપી ઉઠ્યો હતો. આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રવેશ શુક્લાની ગેરકાયદેસર વાળી મિલકત પર બુલડોઝર ફેરવી દીધું હતું અને તેની ધરપકડ પણ કરી લીધી હતી. ત્યારે જે વ્યક્તિ પર પ્રવેશ શુક્લાએ પેશાબ કર્યો હતો તેના પગ આજે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ધોયા છે. ભોગ બનેલા યુવકને સરકારી આવાસ બોલાવ્યા અને સીએમે તેમને ખુરસી પર બેસાડી તેમના પગ ધોયા અનેે કપાળ પર તિલક પણ કર્યું હતું.
મુખ્યમંત્રીએ કર્યું ભોગ બનનાર આદિવાસી યુવકનું સ્વાગત
થોડા સમય પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ભાજપના કાર્યકર્તાએ આદિવાસી યુવક પર પેશાબ કરી રહ્યો હતો. વીડિયો સામે આવતા સમગ્ર દેશમાં તેની ચર્ચા થતી હતી. આ મામલે ત્વરિત કાર્યવાહી પણ કરવામાં આવી હતી. થોડા કલાકોની અંદર પ્રવેશ શુક્લની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે આજે મુખ્યમંત્રીની મુલાકાત કરવા આ કાંડમાં ભોગ બનેલા આદિવાસી યુવક પહોંચ્યા હતા. ત્યાં તેમનું સ્વાગત સીએમ દ્વારા કરવામાં આવ્યું હતું. શાલ ઓઢાડી, ખુરશી પર બેસાડ્યા, પગ ધોયા, માથે તિલક કર્યું અને આરતી કરી. આ અંગે શિવરાજસિંહે કહ્યું કે "આ ઘટનાથી દુઃખી છું. હું તમારી માફી માગુ છું. તમારા જેવા લોકો મારા માટે ભગવાન સમાન છે."