પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જર્મનીના પ્રવાસે ગયા હતા. ત્યારે ભારત ફરતી વખતે તેમને ફ્લાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. લોકોનો દાવો છે કે વધારે શરાબ પીવાને કારણે તેમને ફ્લાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. પરંતુ આમ આદમી પાર્ટીએ આ વાતને નકારી છે.
રોકાણકારો પંજાબમાં રોકાણ કરે તે માટે પંજાબના મુખ્યમંત્રી જર્મનીના પ્રવાસે ગયા હતા. રોકાણકારોને આકર્ષવા પંજાબના મુખ્યમંત્રી 8 દિવસના જર્મનીના પ્રવાસે હતા. ત્યારે ભારત ફરતી વખતે તેઓ વિવાદોમાં ઘેરાઈ ગયા હતા. ત્યાં ઉપસ્થિત લોકોનું કહેવું છે કે વધારે શરાબ પીવાને કારણે તેમને ફ્લાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. જ્યારે રાજ્ય સરકારના અધિકારીઓ દાવો કરી રહ્યા છે કે જર્મનીથી CM ખરાબ તબિયતને કારણે પરત ફ્લાઇટમાં બેસી શક્યા ન હતા. પત્રકાર આદેશ રાવલે આ વાત અંગે ટ્વિટ કરી કટાક્ષ કર્યો હતો.
આપે આ ઘટનાને ગણાવ્યો વિપક્ષનો ખેલ
આ ચર્ચાએ જોર પકડતા આમ આદમી પાર્ટીએ પોતાની વાત રજૂ કરી હતી. આ ઘટનાને આમ આદમી પાર્ટીએ નકારી છે. આપના પ્રવક્તાએ આ વાતને વિપક્ષનો ખેલ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે રાજકીય વિરોધીઓ આપણા મુખ્યમંત્રીને બદનામ કરવા માટે આવી વાતો ફેલાવી રહ્યા છે. તેઓ પચાવી શક્તા નથી કે પંજાબને આગળ વધારવા સીએમ માન મહેનત કરી રહ્યા છે.