મનીષ સિસોદિયાની ધરપકડ બાદ દિલ્હીમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. એક તરફ ધૂળેટીની ઉજવણી થઈ રહી છે તો બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ધ્યાન પર બેઠા છે. આમ આદમી પાર્ટીના ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ લખવામાં આવી જેમાં કહેવામાં આવ્યું કે દેશ માટે અરવિંદ કેજરીવાલ પ્રાર્થના કરશે. સવારના 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી સતત ધ્યાન કરશે. ધ્યાનમાં બેસે તે પહેલા અરવિંદ કેજરીવાલે રાજઘાટની મુલાકાત લીધી હતી.
અરવિંદ કેજરીવાલ કરી રહ્યા છે ધ્યાન
અરવિંદ કેજરીવાલે મંગળવારે જાહેરાત કરી હતી કે પાર્ટીના નેતાઓ સત્યેન્દ્ર જૈન અને મનીષ સિસોદિયાની ધરપકડના પગલે તેઓ બુધવારે ધ્યાન કરશે. ઉપરાંત હોળીની ઉજવણી પણ નહીં કરે. કેજરીવાલે કહ્યું હતું કે તે દેશની સ્થિતિને લીધે ચિંતામાં છે. તેમણે દાવો કર્યો કે દિલ્હીના આરોગ્ય અને શિક્ષા ક્ષેત્રને અનેક વર્ષોથી નજર અંદાજ કરવામાં આવ્યા છે.ત્યારે મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈને મહેનત કરી ગરીબો માટે સારા આરોગ્ય અને સારા શિક્ષણની વ્યવસ્થા કરી છે.
વડાપ્રધાન મોદી પર સાધ્યું નિશાન
કેજરીવાલે કહ્યું કે સ્કૂલ, હોસ્પિટલ બનાવનારાને વડાપ્રધાન જેલ ભેગા કરી રહ્યા છે. લૂંટારાઓને વડાપ્રધાન મોદી ભેટી રહ્યા છે. દેશની આવી સ્થિતિને લીધે હું ચિંતિત છું. ઉપરાંત આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તાએ કહ્યું કે મનીષ સિસોદિયાને કેન્દ્ર સરકારે એક ષડયંત્ર અંતર્ગત જેલમાં રાખ્યા છે. જે જેલમાં તેમને રાખવામાં આવ્યા છે તે જેલમાં સૌથી ખતરનાક, હિંસક આરોપી કેદ હોય છે. જેલ નંબર એકમાં એવા ક્રિમિનલ હોય છે.