સામાન્ય રીતે અમે સમાચાર લખતા હોઈએ છીએ કે પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થયો છે પરંતુ હવે ચૂંટણીનો સમય છે એટલે સમાચાર લખીએ છીએ કે પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડો થયો છે! કેન્દ્ર સરકારે બે રૂપિયાનો ભાવ ઘટાડો પ્રતિ લિટરે કર્યો છે. ગઈકાલે આ અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું અને આજ સવારે 6 વાગ્યાથી આ ભાવ ઘટાડનો અમલ શરૂ થઈ ગયો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી આ વાતની જાણકારી આપવામાં આવી છે. સરકારી માલિકીની ઓઈલ કંપનીઓએ 2 વર્ષ બાદ ભાવમાં ફેર બદલ કર્યો છે અને વધારવાની જગ્યાએ ઘટાડ્યા છે.
ક્યાં કેટલા ભાવમાં મળશે પેટ્રોલ?
સોશિયલ મીડિયા પર પેટ્રોલિયમ મંત્રીએ લખ્યું કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો કરીને પ્રધાનમંત્રી મોદીએ ફરી એક વાર સાબિત કરી દીધું છે કે, કરોડો ભારતીયોને પોતાના પરિવારના હિત અને સુવિધા સદૈવ તેમનો લક્ષ્ય છે. સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે તે બાદ મુંબઈમાં પેટ્રોલનો ભાવ 104.21 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.15 રૂપિયા થયો છે. નવી દિલ્હીમાં પેટ્રોલના ભાવ હવે 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા થયો છે.
વિધાનસભા ચૂંટણી વખતે રાજકીય પાર્ટી દ્વારા આપવામાં આવે છે વચનો
જ્યારે જ્યારે કોઈ રાજ્યમાં ચૂંટણી હોય ત્યારે ત્યારે તે રાજ્યના લોકોને રાજકીય પક્ષો દ્વારા જાહેરાત કરવામાં આવતી હોય છે કે જો અમારી સરકાર બનશે તો ગેસ સિલિન્ડર આટલા રૂપિયામાં અપાશે, આ સેવાનો લાભ આપવામાં આવશે વગેરે વગેરે... વિધાનસભા ચૂંટણી વખતે આ આપણે જોયું છે, મતાદાતાઓને આકર્ષવા માટે આવી ઓફરો લાવવામાં આવતી હોય છે ત્યારે આ વખતે લોકસભાની ચૂંટણી છે એટલે સમગ્ર દેશના લોકોને લાભ થાય, દેશના લોકો આકર્ષાય તેવી જાહેરાત કરવામાં આવી છે આ વખતે.
ભાવ ઘટાડો થતા લાગે છે કે ચૂંટણી નજીક આવી!
લોકસભા ચૂંટણીને લઈ ઘડીઓ ગણાઈ રહી છે. ગમે ત્યારે તારીખોનું એલાન થઈ જશે. ચૂંટણી જેમ જેમ નજીક આવતી હોય છે તેમ તેમ મતાદાતાઓને રીઝવવા માટે અલગ અલગ પ્રકારના વાયદા કરવામાં આવતા હોય છે. જેમ જેમ ચૂંટણી પ્રચાર તેજ બનશે તેમ તેમ અલગ અલગ વચનો આપવામાં આવશે. પરંતુ તે પહેલા કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ચૂંટણીની તારીખો જાહેર થવાની છે તે પહેલા કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ ડિઝલના ભાવમાં રાહત આપવામાં આવી છે. જ્યારે આ ભાવ ઘટાડા અંગેની જાહેરાત કરવામાં આવી ત્યારે જ મનમાં વિચાર આવ્યો હશે કે લાગી રહ્યું છે કે ચૂંટણી નજીક આવી..!