વિશ્વમાં કોરોના અંગેની સ્થિતિને ધ્યાનમાં રાખી ભારત સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચીન, અમેરિકા, જાપાન સહિતના દેશોમાં કોરોના વકરી રહ્યો છે. વિદેશથી આવતા લોકો પર ભારત સરકાર નજર રાખી રહી છે. એરપોર્ટ પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. કોરોના કેસ વધતા ભારત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. કોરોના કેસ વધતા કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા લખવામાં આવેલા પત્રમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન, વેન્ટિલેટર સહિત હોસ્પિટલમાં જરૂરી સાધનો રાખવા પર ધ્યાન કેન્દ્રીત કરવા ભાર રાખ્યો છે.
વેન્ટિલેટર, ઓક્સિજનની વ્યવસ્થા કરવા આપી સૂચના
એક તરફ કોરોના સંક્રમણ ઓછુ થઈ રહ્યું હોય તેવું લાગતું હતું. પરંતુ એકાએક કોરોના કેસમાં વધારો થયો છે. વિશ્વભરના દેશોમાં કોરોનાનો નવો વેરિયન્ટ BF.7ને કારણે ચિંતા વધી ગઈ છે. આ વેરિયન્ટને ઘાતક માનવામાં આવે છે. કોરોનાની લહેરમાં ઓક્સિજન, વેન્ટિલેટર, બેડની અછત સર્જાઈ હતી. જેને કારણે લોકોના મોત થયા હતા. ત્યારે કોરોનાને લઈ આ વખતે લોકોને મુશ્કેલી ન વેઠવી પડે તે માટે ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્યોને કોરોનાને લઈ યોગ્ય વ્યવસ્થા કરવાની સલાહ આપી છે.
કેન્દ્ર સરકારે પત્રમાં શું લખ્યું છે
કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા પત્રમાં જણાવામાં આવ્યું છે કે હાલ દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિ કાબુમાં છે. પરંતુ આવનાર સમયમાં પરિસ્થિતિ વિકટ બની શકે છે. આવનારી પરિસ્થિતિનો સામનો કરવા માટે પહેલેથી જ તૈયાર રહેવું પડશે. તૈયારીઓ અત્યારથી જ કરી દેવી જોઈએ.