રસ્તાનું નિર્માણ થયા બાદ અનેક વખત તંત્ર દ્વારા ખાડા ખોદવામાં આવે છે. અનેક રસ્તાઓ પર ખોડાયેલા ખાડા જોવા મળતા હોય છે. ખોદકામ થવાને કારણે વાહનચાલકોને અનેક મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાય છે. તો અનેક વખત રસ્તા પર ખોદાયેલા ખાડાને કારણે અકસ્માત સર્જાય છે. ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સીટીએમ વિસ્તારમાં એક ઘટના બની છે જેમાં કોર્પોરેશન દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં કાર પડી ગઈ છે. 20 ફૂટ ઉંડા ખાડામાં કાર પડી ગઈ હતી અને ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી.
દોઢ મહિનાથી ખોદવામાં આવ્યો છે ખાડો
અમદાવાદના અનેક રસ્તાઓ પર ખોદકામ જોવા મળે છે. ખોદકામ થવાને કારણે રસ્તો સાંકડો થઈ જાય છે જેને કારણે ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી હોય છે. ત્યારે સીટીએમ ચાર રસ્તા પાસે એએમસી દ્વારા પૂર્વદીપ સોસાયટી નજીક છેલ્લા દોઢ મહિનાથી એએમસી દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હતો.
ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી
નેશનલ હાઈવે નંબર 8 ઉપર સીટીએમ ચાર રસ્તા પાસે વહેલી સવારે એક કારચાલક હાઈવેના સર્વિસ રોડ પર કોર્પોરેશન દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હતો જેમાં કાર ખાબકી પડી હતી. 20 ફૂટ ઊંડા ખાડામાં કાર પડી જતા કારને કાઢવા ક્રેનની મદદ લેવામાં આવી હતી. કાર ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે લોકો ત્યાં આવી પહોંચ્યા હતા. ગાડીને બહાર નીકાળી દેવામાં આવી છે પરંતુ પ્રશ્નએ છે કે લોકોને મુશ્કેલી ના પડે તે માટે પતરા લગાવામાં આવ્યા છે. ત્યારે આ ગાડી કઈ રીતે ખાડામાં પડી તે અંગે પ્રશ્ન છે.