ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટી પોતાનો પ્રચાર કરી રહી છે. ત્યારે ભાજપના નેતાએ જ્ઞાતિ વાદને લઈ ચૂંટણી પૂર્વે ટ્વિટ કરી છે. ભાજપના નેતા ડો. ભરત કાનાબારે ટ્વિટ કરતા કહ્યું કે ઉમેદવારની ગુણવત્તા કરતા તેની જ્ઞાતિ જોઈને મત આપે છે. તેમની આ ટ્વિટથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
લોકશાહી જ્ઞાતિવાદના અજગરની પકડમાંથી મુક્ત થઈ શકી નથી - ડો. ભરત
છેલ્લા અનેક વર્ષોથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. આ વખતની ચૂંટણીમાં પણ ભાજપ ગુજરાતમાં સરકાર બનાવે તે માટે ભાજપ પ્રયાસ કરી રહ્યું છે. દર વખતની ચૂંટણીમાં જ્ઞાતિવાદ આવી જતો હોય છે. ત્યારે આ વખતે પણ ચૂંટણીમાં જ્ઞાતિવાદ આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ભાજપના નેતાએ ટ્વિટ કરી છે જેમાં તેમણે લખ્યું છે કે લોકપ્રતિનિધિઓ ચૂંટાયા પછી સ્વહિતમાં રચ્યાપચ્યા રહે છે. ફરિયાદ કરવાનો અધિકાર લોકોએ ગુમાવી દીધો છે કેમ કે તે ઉમેદવારની ગુણવત્તા કરતા તેની જ્ઞાતિને જ મહત્વ આપે છે. આઝાદીના 75 વર્ષ પછી પણ લોકશાહી જ્ઞાતિવાદના અજગરની પકડમાંથી મુક્ત થઈ શકી નથી.
ભાજપના જે નેતાએ જ્ઞાતિવાદને લઈ ટ્વિટ કરી છે તેમણે અમરેલી અને લાઠી વિધાનસભા બેઠક પરથી દાવેદારી કરી છે. ચૂંટણી પહેલા એમ પણ જ્ઞાતિવાદનો મુદ્દો ઉઠતો હોય છે. ત્યારે જ્ઞાતિવાદને લઈ ભરત કાનાબારની ટ્વિટને લઈ પાર્ટીમાં તેમનો વિરોધ થઈ શકે છે. મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમને ફોલો કરે છે. ચૂંટણી સમયે જ્ઞાતિવાદને લઈ તેમણે પ્રહાર કર્યા છે. જેને કારણે રાજકારણ ગરમાઈ ગયું છે.