ગુજરાતમાં દારૂબંધી કાયદાનો અમલ કેવું થાય છે તે આપણે જાણીએ છીએ. અનેક વખત જમાવટની ટીમ દ્વારા દારૂબંધી કાયદાનું કેટલું પાલન થાય છે તે બતાવ્યું છે. ત્યારે જમાવટના દર્શકે અમને એક વીડિયો મોકલ્યો છે. આ વીડિયોમાં તમને કડવી વાસ્તવિકતા જોવા મળશે. કે ગુજરાતમાં માત્ર ગિફ્ટ સિટીમાં જ દારૂ નથી મળતો પરંતુ અનેક જગ્યાઓ પર દારૂ મળે છે!
જમાવટના દર્શકે મોકલ્યો વીડિયો!
અમારા એક દર્શક અમદાવાદમાં નશાબંધીની કચેરી આગળથી જ્યારે નીકળી રહ્યા હતા ત્યારે તેમણે વીડિયો ઉતાર્યો. બે દિવસ પહેલા જ ગાંધીનગરના ગિફ્ટસિટીમાં ફિલ્મ ફેર એવોર્ડ ફન્કશન યોજાયો હતો જેમાં કલાકારોએ સરસ મોજથી દારૂ પીધો હતો. તો આ વીડિયો ઉતારનાર અમારા દર્શકને કદાચ એમ લાગ્યું કે ખાલી ગિફ્ટ સિટીમાં જ દારૂ મળે છે. બીજે તો ક્યાંય મળતો જ નથી. તો એમને આ અમદાવાદમાં જોયું તો વીડિયો ઉતાર્યો અને અમને મોકલ્યો....એટલે કે અમારે આ વીડિયોને લઈને ખાસ પ્રશ્નો નથી પૂછવા. અમને કોઈના પર આક્રોશ નથી ગુસ્સો નથી પણ નરી વાસ્તવિકતાના ખોટા દેખાડા કરતા લોકો માટે અમે આ વીડિયો બતાવી રહ્યા છીએ.
અમદાવાદમાં દારૂ પીને ફરતા લોકો અનેક વખત ભટકાય છે!
જ્યારે અમદાવાદ જેવા શહેરના રસ્તા પર નીકળીએ તો દર ચાર રસ્તે આવા લોકો ભટકાતા હોય છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં તો દર બે મિનિટે આવા દારૂ પીને લોકો ફરતા જોવા મળે તો પછી આપણે એમ કેવી રીતે માની લઈએ કે માત્ર ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં જ દારૂ મળે છે અને પીવાય છે. મોંઘો દારૂ ગિફ્ટ સિટીમાં અને સસ્તો દારૂ બહાર જાહેરમાં વેચાય છે...આ હકીકત છે ગુજરાતની... દારૂબંધી બાબતે માધ્યમો પણ ચૂપ છે. કદાચ કારણ એ પણ હોઈ શકે કે જેમ અમે દારૂબંધીની બૂમો પાડી પાડીને થાકી ગયા છીએ એમ એ પણ થાકી ગયા હોય.
દારૂબંધીના નામે નાટક કેમ?
અમને, તમને, આપણને બધાને ખબર જ છે કે અહીં દારૂ મળે છે. પણ અમારા કહેવાનો મતલબ એ છે કે જો મળે છે તો એવું કહોને કે મળે છે. એવું તો તમે કહી નથી શકવાના તો પછી દારૂબંધીના નામે નાટક કેમ.. હકીકત વાસ્તવિકતા બીજી કંઈક હોય સિસ્ટમ કંઈક અલગ કેહતી હોય. આવું બધું કેમ ક્યાં સુધી ચાલશે. આ તો એવું થયું કે આ નેતાઓ અને અધિકારીઓ આપણને મૂર્ખ સમજે છે.