આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતની 26 લોકસભા સીટોમાંથી 24 સીટો પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારવાની છે તો બે સીટો એટલે ભાવનગર તેમજ ભરૂચ લોકસભા બેઠકો આમ આદમી પાર્ટીના ફાળે આવી છે. ભરૂચ લોકસભા બેઠક પરથી ઈન્ડિયા ગઠબંધન તરફથી ચૈતર વસાવાના નામની જાહેરાત કરવામાં આવી છે. તો ભાવનગર બેઠક પરથી ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરવામાં આવી છે ગઠબંધનની જાહેરાત થયા બાદ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને આ ગઠબંધન પર પ્રહાર કર્યા હતા.
ગઠબંધનને લઈ સી.આર.પાટીલે કહી આ વાત!
સી.આર.પાટીલ દ્વારા અનેક વખત નિવેદન આપવામાં આવ્યું છે કે ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ભાજપની જીત થશે. પાંચ લાખના લીડ સાથે ભાજપના ઉમેદવારો જીતશે. ત્યારે આજે પણ પોતાની આ વાતને સી.આર.પાટીલે વાગોળી હતી. આપ અને કોંગ્રેસના ગઠબંધન પર પાટીલે પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે આંધળા અને બહેરાના વિશ્વાસઘાત જેવી સ્થિતિ અહીં થશે. આંધળા અને બહેરા અહીં દીવાસ્વપ્નમાં રાચે છે. આ સાથે જ અમે આ વખતે પણ તમામ 26 બેઠકો જીતવાના છીએ અને હેટ્રિક કરીશું.
અગાઉની લોકસભા ચૂંટણીને કરી યાદ!
તે સિવાય તેમણે કહ્યું કે ચૈતર વસાવાને ભરૂચ સીટમાં માત્ર 13 ટકા મત મળ્યા હતા. લોકસભાની અગાઉની ચૂંટણીમાં સાતમાંથી ચાર બેઠક પર ડિપોઝિટ જમા થઈ હતી. ભરૂચ, ભાવનગરમાં જીતવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. જ્યાં બંને બેઠકો પર અમે મજબૂત છીએ. ભાવનગરની બેઠક પણ અમારી મજબૂત છે. ગઠબંધન થશે તો કોંગ્રેસના કાર્યકરો નારાજ થવાના જ છે. વધુમાં તેમણે કહ્યું કે કોંગ્રેસને પણ જીતની કોઈ શક્યતા નથી લાગતી. અમે અમારી તાકાત પર જ ચૂંટણી લડીએ છીએ.