ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીનું જોર ઘટ્યું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે લોકોને ઠંડીથી રાહત મળી હતી. પરંતુ ફરી એક વખત ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આવતીકાલથી ફરી એક વખત ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થવાનો છે. ગુજરાતમાં આગામી 24 કલાકમાં તાપમાન 2થી 4 ડિગ્રી જેટલું ઘટી શકે છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીથી મળી આંશિક રાહત
ઉત્તરભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે. બરફવર્ષા થવાને કારણે ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા એક બે દિવસથી ઠંડીથી રાહત મળી હતી પરંતુ આવનાર દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધવાનું છે. શીતલહેરનો અનુભવ ફરી એક વખત ગુજરાતવાસીઓને થવાનો છે. વેસ્ટર્ન ડિસ્ટરબન્સને કારણે બે દિવસ ઠંડીથી રાહત મળી હતી પરંતુ ફરી એક વખત કોલ્ડવેવનો અહેસાસ થવાનો છે.
અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી
બેથી ચાર ડિગ્રી જેટલું તાપમાન ઘટવાથી ફરી એક વખત ઠંડીનું જોર વધવાનું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીની સાથે સાથે પવન ફૂંકાવાની આગાહી પણ કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ સવારે અને રાત્રીના સમયે કાતિલ ઠંડીનો અનુભવ થશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરતા જણાવ્યું કે ગુજરાતમાં 25 જાન્યુઆરી બાદ તાપમાનમાં ઘટાડો આવશે. હાલ ઠંડીથી આંશિક રાહત મળી છે પરંતુ આવનાર દિવસોમાં કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાઈ શકે છે. ઉપરાંત જાન્યુઆરીના અંત સુધીમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.