ભારત-પાકિસ્તાન મેચ વખતે એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં ટીઆરબી જવાને દિલ્હીથી મેચ જોવા આવેલા યુવક સાથે તોડપાણી કર્યા હતા. ટ્રાફિક વિભાગના કર્મચારીઓ તેમજ ટીઆરબી જવાનો વાહનચાલકો પાસેથી તોડપાણી કરી પૈસા પડાવતા હોય છે તેવા કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આપણામાંથી અનેક લોકો એવા હશે જેમણે ચલણ ના ફાટે તે માટે સેટિંગ કર્યા હશે.ત્યારે ટીઆરબી જવાન અને ટ્રાફિક પોલીસ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ માટે પોલીસ કમિશનરે એક સૂચના બહાર પાડી છે. કમિશનરે શહેરના ઉચ્ચ સુપરવાઇઝરી અધિકારીઓને સુચના આપી છે કે મહિનામાં એકવાર ખાનગી ડ્રેસમાં આકસ્મિક ચેકિંગ કરવુ અને રિપોર્ટ પણ આપવો.
ટીઆરબી જવાનની ફરજ અને સત્તા કેટલી તેની અપાઈ જાણકારી
ટ્રાફિકને નિયંત્રણ કરવા માટે શહેરના વિવિધ પોઈન્ટ પર ટીઆરબી જવાન તેમજ ટ્રાફિક પોલીસને તૈનાત કરવામાં આવ્યા છે. પરંતુ અનેક વખત ટીઆરબી જવાનો તેમજ ટ્રાફિક પોલીસ તોડપાણી કરતા હોય તેવા સમાચારો સામે આવતા રહે છે. રસ્તા પર જ્યારે આપણને રોકવામાં આવે છે ત્યારે આપણે ડરી જતા હોઈએ છીએ. ડરને કારણે લોકો તોડપાણી કરી લેતા હોય છે તેવા કિસ્સાઓ પણ આપણે જોયા છે. ત્યારે ટીઆરબી જવાનોની ફરજ શું છે તેમની પાસે કેટલી સત્તા હોય છે તે અંગે લોકો જાગૃત થાય તે માટે ગુજરાત પોલીસ દ્વારા અનેક વખત ટ્વિટ કરવામાં આવે છે. તોડપાણી અંગેની ફરિયાદો સામે આવતા પોલીસ કમિશનર દ્વારા મહત્વપૂર્ણ આદેશ આપવામાં આવ્યો છે.
આકસ્મિક રીતે ચેકિંગ કરવા કરાયો આદેશ!
પોલીસ કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે ટ્રાફિક પોલીસની ગતિવિધી, તેમના કામ કરવાની પદ્ધતિ પર નિયંત્રણ કરવાની આવશ્યક્તા છે. જેથી આ માટે ટીઆરબી અને ટ્રાફિક વિભાગની સ્ટાફ પર સુપરવિઝન કરવા માટે અમદાવાદના તમામ સુપરવાઈઝરી અધિકારીઓને મહિનામાં એકવાર સિવિલ ડ્રેસમાં આકસ્મિક ચેકિંગ કરવુ અને રિપોર્ટ પણ આપવો.