દિલ્હીના જંતર મંતર ખાતે કુસ્તીબાજો ધરણા કરી રહ્યા હતા. WFIના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ કરવામાં આવે તેવી માગ પહેલવાનો કરી રહ્યા હતા. પરંતુ રવિવારે થયેલી ઝપાઝપી બાદ દિલ્હીથી પહેલવાનો જતા રહ્યા હતા. આંદોલન વચ્ચે કુસ્તીબાજોએ એક મહત્વની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર કુસ્તીબાજોએ નિવેદન બહાર પાડ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે, અમે આ મેડલ ગંગામાં વહાવી દઈશું. ઉપરાંત આમરણ અનશનની પણ વાત કરવામાં આવી હતી. સાક્ષી મલિકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.
ઈન્ડિયા ગેટ ખાતે કુસ્તીબાજો કરશે આમરણ અનશન!
બ્રિજભૂષણશરણ સિંહ વિરૂદ્ધ પહેલવાનો ઘણા દિવસોથી જંતરમંતર ખાતે ધરણા કરી રહ્યા હતા. યૌન શોષણના આરોપો કુસ્તીબાજો લગાવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બ્રિજભૂષણસિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. રવિવારે કુસ્તીબાજોએ માર્ચનું આયોજન કર્યું હતું પરંતુ તેમની અટકાયત કરી દેવામાં આવી હતી. જે બાદ મોડી રાત્રે પહેલવાનો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. દિલ્હીથી પહેલવાનો નીકળી ગયા હતા. આંદોલન વચ્ચે મેડલને લઈ પહેલવાનોએ જાહેરાત કરી કે સાંજે 6 વાગે પોતાના મેડલ ગંગામાં વહાવી દેશે. તે સિવાય સાક્ષી મલિકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે ઈંડિયા ગેટ પર આમરણ અનશન કરશે.