શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ટેટ-ટાટના ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી માગ કરી રહ્યા છે. જ્ઞાન સહાયક રદ્દ કરવામાં આવે તે માટે સરકારને વિવિધ પ્રકારે રજૂઆત કરી રહ્યા છે. સરકાર પોતાની વાત પર મક્કમ છે તો ઉમેદવારો પોતાના આંદોલન પર મક્કમ છે. કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે તે માટે ઉમેદવારો આંદોલનનો માર્ગ અપનાવી રહ્યા છે. શ્રાવણ મહિનામાં પોતાના માગની રજૂઆત શંકર ભગવાન સામે ઉમેદવારોએ કરી હતી. ત્યારે હમણાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે. આ સમયે ઉમેદવારોએ વિધ્નહર્તાના રજૂઆત કરી હતી. ગણેશ પંડાલમાં આજે ઉમેદવારોએ રમેશ ટિલાળા અને ભાનૂબેન બાબરિયા સાથે મુલાકાત કરી હતી. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ઉમેદવારોએ રજૂઆત કરી હતી. ગઈકાલે ગણપતિ બાપાના ન્યાયાલયમાં ટેટ ટાટ પાસ શિક્ષકોએ ગુજરાત સરકારની જ્ઞાન સહાયક યોજના સામે ફરિયાદ કરી છે.
ગણપતિ બાપ્પાની અદાલતમાં ઉમેદવારોએ કરી રજૂઆત
ગણપતિ બાપ્પાને વિધ્નહર્તા દેવ કહેવામાં આવે છે. ભક્તોના વિધ્નો બાપ્પા દૂર કરે છે. ત્યારે ટેટ-ટાટના ઉમેદવારોએ ભગવાન ગણેશ આગળ પોતાના મુદ્દાને રજૂ કર્યો હતો. વિવિધ સ્થળો પર ગણેશ પંડાલનું આયોજન થતું હોય છે. અલગ અલગ થીમ પર ગણેશ પંડાલમાં ડેકોરેશન કરવામાં આવે છે. ત્યારે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ટેટ-ટાટના ઉમેદવારો ગણપતિ બાપ્પાને રજૂઆત કરવા પહોંચ્યા હતા. ગણપતિ બાપાના મંડપમાં જો કે એ મંડપ ન હતો ન્યાયાલય હતી જેમાં તેમણે ગુજરાત સરકાર સામે ફરિયાદ નોંધાવી છે. આ સિવાય વિરોધ નોંધાવી પૂજા કરીને તેમણે પોતાની રજૂઆત બાપ્પાને કરી હતી.
અનેક વખત શિક્ષણ મંત્રીને કરી છે આ અંગે રજૂઆત
મહત્વનું છે કે શિક્ષણ વિભાગની પરિસ્થિતિ કથળી રહી છે. ભાવિ શિક્ષકો આંદોલનના માર્ગ અપનાવી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રીને, શિક્ષણ મંત્રી સહિતના પદાધિકારીઓને પત્ર લખ્યો હતો. પરંતુ તેમની રજૂઆત કોઈએ સાંભળી ન હતી. સંતોના શરણે પણ ઉમેદવારો ગયા હતા. શિવજીને પણ તેમણે પત્ર લખી રજૂઆત કરી હતી. પંરતુ તેમની રજૂઆતનો કોઈ ઉકેલ નથી આવ્યો. ત્યારે હવે ઉમેદવારો ગણપતિ દાદાની કોર્ટમાં પોતાની રજૂઆત લઈને પહોંચ્યા હતા. ભાજપના ધારાસભ્યોને પણ ઉમેદવારો ગણેશ પંડાલમાં મળ્યા હતા અને રજૂઆત કરી હતી.