ગુજરાતમાં ભાવિ શિક્ષકો કાયમી શિક્ષકોની ભરતી થાય તેવી માગ સાથે આંદોલન કરી રહ્યા છે. કરાર આધારીત ભરતીનો ટેટ-ટાટ પાસ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. 11 મહિનાના કરાર આધાર પર રાખવાના નિર્ણયનો વિરોધ ઉમેદવારો અલગ અલગ માધ્યમો દ્વારા કરી રહ્યા છે. પોતાની રજૂઆત કરવા અનેક વખત ગાંધીનગર ગયા છે પરંતુ તેમનો અવાજ સાંભળવામાં આવતો ન હતો. ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. થોડા સમય પહેલા એક નાટક કર્યું હતું અને હવે એક નાનો વીડિયો સામે આવ્યો હતો જેમાં ઉમેદવારો પોતાની વેદના ઠાલવી રહ્યા છે.
અનેક મહિનાઓથી ઉમેદવારો કરી રહ્યા છે વિરોધ
એક તરફ ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે અને બીજી તરફ સરકાર શિક્ષકોની ભરતી નથી કરી રહી. ટેટ ટાટ પાસ ઉમેદવારોની માગ છે કે જ્ઞાનસહાયકને રદ્દ કરવામાં આવે અને શિક્ષકોની કાયમી ભરતી થાય. 11 મહિનાના કરાર આધારીત ભરતીનો વિરોધ કરી રહ્યા છે. પોતાની માગ સાથે ઉમેદવારો અડીખમ છે. જ્ઞાનસહાયકનો વિરોધ કરવા માટે અનેક વખત તેઓ ગાંધીનગર ગયા, અધિકારીઓ સાથે વાત કરવાની કોશિશ કરી. મિટીંગ પણ થઈ સાંત્વના પણ આપી પરંતુ હજી સુધી તેમની માગનો નિવેડો નથી આવ્યો.
સોશિયલ મીડિયાનો ઉમેદવારોએ લીધો સહારો
ગાંધીનગર ખાતે જ્યારે જ્યારે આંદોલન કરવા માટે ઉમેદવારો જાય છે ત્યારે ત્યારે પોલીસ દ્વારા જે વ્યવહાર કરવામાં આવે છે તેના વીડિયો આપણે જોયા છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયમ માધ્યમનો ઉમેદવારો સહારો લઈ રહ્યા છે. અલગ અલગ રીતે આ જ્ઞાનસહાયકનો વિરોધ કરી રહ્યા છે. કોઈ વખત ડિગ્રીની આરતી ઉતારતો વીડિયો સામે આવે છે તો કોઈ વખત નાટક કરી પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં ઉમેદવારોએ પોતાની વેદના ઠાલવી છે.