ગુજરાતના ભાવિ શિક્ષકો આંદોલનના માર્ગે ચઢ્યા છે. જ્ઞાનસહાયક યોજનાને રદ્દ કરવામાં આવે તેવી માગ ટેટ-ટાટના ઉમેદવારો કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ ઉમેદવારોના સમર્થનમાં આવી છે. દાંડી યાત્રા 2.0ની શરૂઆત આમ આદમી પાર્ટીએ કરી છે. દાંડીથી નિકળેલી આ યાત્રા આવતી કાલે અમદાવાદ પહોંચવાની છે. અમદાવાદમાં રેલી પહોંચે તે પહેલા ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ઉમેદવારો હલ્લાબોલ કરવાના છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપરાંત વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની આગેવાનીમાં યુવા અધિકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આજે આ યાત્રાનો સાતમો દિવસ છે. આ યાત્રા આજે હિંમતનગર પહોંચવાની છે.


પોતાના હક માટે યુવાનો લડત આપે તે માટે યુવરાજસિંહે કર્યું આહ્વાહન
શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે અને જ્ઞાન સહાયક યોજનાને રદ્દ કરવામાં આવે તે માટે ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીને નાબુદ કરવા માટે ગુજરાતના ભાવિ શિક્ષકો આંદોલન ચલાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તો ઉમેદવારોએ આંદોલન ચલાવ્યું હતું પરંતુ મેદાનમાં આવી ઉમેદવારો લડત આપી રહ્યા છે. અનેક ટેટ-ટાટ પાસ ઉમેદવારો આપની યુવા અધિકાર યાત્રામાં જોડાયા છે પરંતુ અનેક એવા ઉમેદવારો પણ છે જે માત્ર સોશિયલ મીડિયા પર આંદોલનને સપોર્ટ કરી રહ્યા છે. પોતાના હક માટે ઉમેદવારો લડે તેવું આહ્વાહન યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટી તો આંદોલન કરી જ રહી છે પરંતુ પોતાના હકની લડાઈ લડવા માટે ઉમેદવારોએ આગળ આવું પડશે તેવી વાત યુવરાજસિંહે કરી હતી.


ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં એકત્ર થશે ઉમેદવારો
ગઈકાલે ઉમેદવારોની દાંડી યાત્રા 2.0 શિક્ષણમંત્રી કુબેર ડિંડોરના વિસ્તારમાં પહોંચી હતી. મહીસાગર આવતા જ ઉમેદવારોનો જુસ્સો વધી ગયો હતો. જ્ઞાન સહાયક વિરૂદ્ધ નારા તો લગાવ્યા હતા પરંતુ શિક્ષણ મંત્રી હાય હાયના નારા પણ ઉમેદવારોએ લગાવ્યા હતા. જ્ઞાનસહાયકનો વિરોધ જોર-શોરથી ઉમેદવારો કરી રહ્યા છે ત્યારે ઉમેદવારો દ્વારા શરૂ કરવામાં આવેલું આ આંદોલન રંગ લાવે છે કે કેમ તે તો સમય જ બતાવશે કારણ કે સરકાર પોતાના નિર્ણય પર મક્કમ દેખાઈ રહી છે.
