જ્ઞાનસહાયકનો વિરોધ છેલ્લા ઘણા દિવસોથી ટેટ-ટાટના ઉમેદવારો કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. ત્યારે શિક્ષક દિવસ પર ગુજરાતના ભાવિ શિક્ષકો આ અંગે રજૂઆત કરવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા પરંતુ ઉમેદવારોને દર વખતની જેમ તેમને ડિટેઈન કરી દેવામાં આવ્યા છે. ગાંધીનગર ખાતે તેઓ મુખ્યમંત્રી, અધિકારીઓને પત્ર આપી રજૂઆત કરવાના હતા પરંતુ તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી દીધી છે.
ઉમેદવારો સાથે આવું વર્તન કેટલું યોગ્ય?
કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ઘણા સમયથી ટેટ-ટાટના ઉમેદવારો કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીને નાબુદ કરવમાં આવે તેવી માગ ઉમેદવારોની છે. સરકારને રજૂઆત કરવા માટે અનેક વખત પ્રયત્ન કર્યો પરંતુ સરકાર સુધી તે પહોંચે તે પહેલા જ તે લોકોને અટકાવાઈ દેવાતા હતા. અલગ અલગ પ્રકારે તેઓ વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજે મુખ્યમંત્રી સહિતના અનેક પદાધિકારીઓને રજૂઆત કરવા ગાંધીનગર પહોંચવાના હતા. પરંતુ પોલીસે દર વખતની જેમ રસ્તા પર તેમને રોકી દીધા છે. અને જે પ્રમાણે ઉમેદવારો સાથે પોલીસ વર્તન કરી રહી છે કે જોઈને એક પ્રશ્ન થાય કે શું આ લોકો કોઈ આતંકવાદી છે? શું એ કોઈને નુકસાન પહોંચાડવા આવ્યા છે? વિરોધ કરવા આવેલા ઉમેદવારોએ હાય હાયના નારા લગાવ્યા હતા. સરકાર હાય હાય, શિક્ષણ મંત્રી હાય હાયના નારા ઉમેદવારોએ લગાવ્યા હતા.
જે દ્રશ્યો સામે આવ્યા છે તે વિચલીત કરી દે તેવા છે...!
એક તરફ ઠેર-ઠેર શિક્ષક દિવસની ઉજવણી થઈ રહી છે. શિક્ષકોનું સન્માન થઈ રહ્યું છે તો બીજી તરફ શિક્ષક દિવસે જ ગુજરાતના ભાવિ શિક્ષકોની આવી હાલત છે. ભાવિ શિક્ષકો સાથે પોલીસકર્મીઓએ જે વર્તન કર્યું તે જોઈને દિલ ધ્રુજી ઉઠે છે.