દેશમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે. બાપ્પાના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટતી હોય છે. ઠેર-ઠેર ગણપતિ પંડાલનું નિર્માણ થયું છે. ગણપતિ પંડાલમાં ન્યાયની માગ સાથે ટેટ-ટાટના ઉમેદવારો પહોંચી રહ્યા છે. વિવિધ રીતે અને અનોખી રીતે ભાવિ શિક્ષકો પોતાની વાતને સરકાર સુધી પહોંચાડવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. ભક્તોની સાથે દ્વારે દ્વારે ન્યાયની માંગણી લઇ પહોંચતા રાજ્યના ભાવિ શિક્ષક ઉમેદવારો પોતાની વાત ગણેશજી અને સાથે નેતાજીઓને પણ પહોંચાડવા ગણેશ મંડપમાં પહોંચ્યા હતા, તેમની માંગ શું છે તે આપણી સાથે નેતાજી અને અધિકારીઓ જાણે જ છે, પણ એક આશામાં નીકળ્યા છે, દરેક શક્ય ઉપાયો કરી લેવા છે, ત્યારે પૂરતી સંખ્યામાં ફોર્મ ભરાયાના જવાબ સામે વિવિધ જિલ્લાઓમાં અવનવી રીતે સતત વિરોધ કરતા જ્ઞાનસહાયકો પણ જોવા મળી રહ્યા છે.
સાધુ સંતોને, સરકારી અધિકારીઓને ઉમેદવારોએ કરી છે રજૂઆત
ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ટેટ-ટાટના ઉમેદવારો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. સરકાર સુધી તેમની વાતને, તેમની માગને પહોંચાડવા માટે અનેક પ્રયત્નો કર્યા. સાધુ,સંત અને શંકર બાદ જ્ઞાનસહાયકો પોતાની સહાય માટે શ્રી ગણેશના મંડપે પહોંચ્યા હતા, જ્યાં પોતાની માંગ મૂકી હતી, પ્રસાદ લઈને જતા ભક્તોની સામે આ જ્ઞાનસહાયકો પોસ્ટર લઈને આવ્યા હતા. ભાજપના ધારાસભ્યોને પણ ટેટ-ટાટના ઉમેદવારોએ પોતાના વાતની રજૂઆત કરી હતી.
શું ભગવાન ઉમેદવારોની કાયમી ભરતી કરાવે છે તે જોવું રહ્યું...
જ્ઞાનસહાયકો અમદાવાદ, રાજકોટ પાલનપુર જેવા મોટાભાગના શહેરોમાં આ રીતે વિરોધ નોંધાવી રહ્યા છે, આમાં રાજકોટમાં જ્ઞાનસહાયકો શ્રીજીની સાથે નેતાજીને પણ એક જ માંડવે મળી લીધું હતું, રાજકોટના ધારાસભ્ય ભાનુબેન બાબરીયા અને રમેશ ટિલાળાને પણ મળ્યા હતા, હવે આ ધારાસભ્યો પર તેમની રજૂઆતની કોઈ અસર થાય છે કે નહિ તે જોવાનું રહ્યું, બાકી વિપક્ષના નેતાઓ અત્યરે તો જ્ઞાનસહાયકનો સાથ આપી રહ્યા છે, સચિવાલયમાં પણ પત્રો લખી રહ્યા છે, ભાજપના પણ 1-2 નેતાઓએ જ્ઞાનસહાયક મુદ્દે વિચાર કરવા જણાવ્યું હતું, પણ અત્યારે તો વિરોધ જ વધી રહ્યો છે, ઉપાય નથી મળી રહ્યા. હવે દસ દિવસ માટે પધારેલા ગણેશજી કાયમીભરતી કરાવે છે કે નહિ તે જોવું રહ્યું.