કાયમી ભરતીની માગ કરી રહેલા TET-TATના ઉમેદવારો હવે લડી લેવાના મૂડમાં લાગે છે. જ્ઞાનસહાયકને રદ્દ કરવામાં આવે અને શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. હજી સુધી એવા વીડિયો સામે આવતા હતા જેમાં ઉમેદવારો ગાંધીનગર તરફ આગેકૂચ કરી રહ્યા હોય. ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હોય. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ટેટ ટાટના ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.
અનેક જગ્યાઓ પર ઉમેદવારોએ કર્યો જ્ઞાન સહાયકનો વિરોઘ
એક તરફ ગુજરાતમાં અનેક શાળાઓ એવી છે જે માત્ર એક શિક્ષકના સહારે ચાલે છે. એક શિક્ષક જ શાળાની બધી જવાબદારી સંભાળી રહ્યા છે તો બીજી તરફ સરકારે જ્ઞાન સહાયકની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. જ્ઞાન સહાયક નાબુદ કરી શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ઉમેદવારો કરી રહ્યા છે. સરકાર સુધી પોતાની માગ પહોંચાડવા ઉમેદવારો અલગ અલગ માધ્યમોથી વિરોધ દર્શાવી રહ્યા છે. ગુજરાતના અનેક ખુણાઓમાં ટેટ ટાટના ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. હનુમાનજીને પત્ર લખી પોતાની વેદના વ્યક્ત કરી હતી. તે સિવાય કોઈ સ્થળેથી આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. તો ક્યાંક રામધૂન બોલાવવામાં આવી હતી અને કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.
જમાવટને અનેક વખત કરી છે ઉમેદવારોએ રજૂઆત
મહત્વનું છે કે જમાવટને પણ ઉમેદવારોએ અનેક વખત રજૂઆત કરી છે. જમાવટની ઓફિસે પોતાની વાત રજૂ કરવા જ્યારે ઉમેદવારો આવ્યા છે ત્યારે તેમની આંખોમાંથી આંસુ નિકળી પડ્યા છે. પોતાને પડતી મુશ્કેલી વિશે માહિતી આપતા તેમની આંખો ભીની થઈ ગઈ હતી. પોતાના જીવનના આટલા વર્ષો શિક્ષક બનવા પાછળ આપ્યા, પરીક્ષામાં પણ પાસ થયા પરંતુ છેલ્લે તેમને મળી રહી છે કરાર આધારીત નોકરી. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. હવે જોવું રહ્યું આ આંદોલન કઈ દિશામાં આગળ વધે છે.